• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

મહેસાણામાં કુખ્યાત ભાવેશ રબારીની કારને ટક્કર મારી બે રાઉન્ડ ફાયારિંગ

સ્કોર્પિયો સવાર હુમલાખોરો નાગલપુર તરફ ફરાર : ફોર્ચ્યુનર કારમાંથી લોડેડ રિવોલ્વર અને ચપ્પુ મળી આવતા ભાવેશ રબારી સામે પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.31: મહેસાણામાં નાગલપુર ચોકડી પાસે માધવી પાર્લર નજીક રવિવારે રાત્રે બે જૂથો વચ્ચેની અદાવતમાં રોંગ સાઈડમાંથી આવેલી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર દ્વારા કુખ્યાત ભાવેશ રબારીની ફોર્ચ્યુનર કારને બે-ત્રણ વખત ટક્કર મારી બે રાઉન્ડ ફાયારિંગ કરવામાં આવતા દહેશતનો માહોલ સર્જાયો હતો અને હુમલાખોરો નાગલપુર તરફ ફરાર થઈ ગયા હતા, જેને લઈને મહેસાણામાં ગેંગવોર માથું ઊંચકી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે. મહેસાણા બી ડિવિઝન અને સિટી પોલીસ કાફલાએ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓની તપાસ હાથ ધરી છે, ત્યારે આ બનાવમાં મોટો વળાંક આવ્યો હતો જ્યારે પોલીસે ભોગ બનનાર તરીકે ફરિયાદ નોંધાવનાર ભાવેશની જ ફોર્ચ્યુનર કારની તલાશી લેતા ડેશબોર્ડમાંથી એક ગેરકાયદેસર લોડેડ રિવોલ્વર, છ જીવતા કારતૂસ અને સ્ટીલનો છરો મળી આવ્યા હતા, જેથી પૂછપરછમાં ગાંધીધામના રામનારાયણ ઉર્ફે રાકેશ શર્મા પાસેથી આ હથિયાર લીધી હોવાનું કબૂલતા પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધવાની સાથેસાથે ભાવેશ અને તેની સાથે રહેલા અન્ય શખસો સામે પણ હથિયાર ધારા (આર્મ્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટના અને તપાસમાં સામે આવેલા નામોમાં ચાણસ્માના કુખ્યાત શખસ ભાવેશ બળદેવભાઈ રબારી, તેના મિત્રો વિપુલ રબારી ઉર્ફે વલણ અને કરણ રબારી સામેલ છે, જેઓ ઘટના સમયે ફોર્ચ્યુનર કારમાં સાથે હતા, જ્યારે હથિયાર મેળવવાના સંદર્ભમાં ગાંધીધામના રામનારાયણ ઉર્ફે રાકેશ શર્માનું નામ ખુલવા પામ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક