• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ગાંધીનગરમાં કેબ ચાલકે બે વર્ષના માસૂમને કચડી નાખતા મૃત્યુ રજાઓમાં પ્રવાસેથી ઘરે પરત ફરેલા પરિવાર સાથે બની કરુણ ઘટના

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.31: ગાંધીનગરમાં એક પરિવારના સભ્યો કેબમાંથી ઉતરીને ઘર પાસે પોતાનો સામાન ઉતારવામાં વ્યસ્ત હતા ત્યારે બે વર્ષના માસૂમ પર કારનું આગળનું ટાયર ફરી વળતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના પિતાએ કેબ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રીઅલ એસ્ટેટ બ્રોકર એઝાઝ અનવરભાઈ અજમેરી તેમના પરિવાર સાથે સેક્ટર 5-બી ખાતે રહે છે. એઝાઝભાઈના પત્ની મેહજબીન, પુત્રી ઈનાયા અને અરહાન સાથે અમદાવાદના જુહાપુરા ખાતે આવેલા પિયરે ગયા હતા. એઝાઝભાઈના પત્નીએ બે સંતાન સાથે ગાંધીનગર આવવા માટે ઉબેર એપથી કાર બુક કરી હતી. તેઓ ગાંધીનગરમાં ઘર પાસે પહોંચ્યા ત્યારે મેહજબીન અજમેરીએ પ્રથમ તેમના પુત્રને કારમાંથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેઓ પુત્રી સાથે કારમાંથી સામાન લઈ રહ્યાં હતા. આ સમયે કાર ચાલકે અચાનક જ કાર હંકારતા અરહાન કારની આગળના ટાયરમાં અડફેટે આવી ગયો હતો જ્યારે અકસ્માત સર્જનાર આરોપી કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત અરહાનને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સેક્ટર-7 પોલીસ મથકે કેબ ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક