યુવક અને જૂનાગઢનો શખસ સાથે કામ
કરતા બાદ નોકરીમાંથી કાઢી નાખ્યાનો ખાર રાખી આરોપીએ પૈસા પડાવવાનું શરૂ કર્યું
ગોંડલ, તા.14: ગોંડલના પ્રમુખનગરમાં
રહેતા અને ઓરસન ટેકનોકાસ્ટ કંપનીમાં નોકરી કરતા યુવાનને ડરાવી-ધમકાવીને અગાઉ સાથે નોકરી
કરતા શખસ અને તેના સાળાએ માતા તથા બહેનને ઉઠાવી લેવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી
પડાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. નોકરીમાંથી કાઢી મુક્યાનો ખાર રાખી આરોપીઓએ અવારનવાર
બ્લેકમેલ કરી નાણાં પડાવ્યા હતા. બાદમાં શબ્બીરે દવા પી લીધી છે અને હું પોલીસમાં તારું
નામ આપી દઈશ તેવી ખોટી ધમકીઓ આપીને સાળાએ પણ ખંડણી ઉઘરાવવાનું ચાલુ રાખતા આખરે ત્રાસી
ગયેલા યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર બનાવ અંગે મૂળ જૂનાગઢના
માખિયાળા ગામના વતની અને હાલ ગોંડલના આશાપુરા ચોકડી નજીક પ્રમુખનગરમાં રહેતા 28 વર્ષીય
યુવાન સંદીપભાઈ કાનજીભાઇ રેવર દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેઓ
ભરૂડી ગામ પાસે આવેલા ઓરસન ટેકનોકાસ્ટ કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે તેમની સાથે શબ્બીર
સુમરા પણ નોકરી કરતો હતો. શેઠને કામ બરાબર ન લાગતા બંનેને કંપનીમાંથી છૂટા કર્યા બાદ
સંદીપભાઈને કંપનીએ ફરી નોકરી પર રાખી લીધા હતા પરંતુ શબ્બીરને રાખ્યો ન હતો. આ બાબતની
અદાવત રાખી શબ્બીર અને તેના સાળાએ સંદીપભાઈને ફોન કરી તારી મમ્મી અને બહેનને ઉપાડી
લઈશ તેવી ધમકીઓ આપી ગુગલ પે તથા રોકડ રૂ. 4.01 લાખ બળજબરીથી કઢાવી લીધા હતા. આ મામલે
પોલીસે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની કાયદેસરની ચક્રો ગતિમાન
કર્યા છે.