• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

જેતપુરમાં નકલી શ્રમ અધિકારી બની કારખાનેદાર પાસેથી રૂ. 10 હજાર પડાવ્યા

રાજકોટ, તા.14: રાજ્યમાં નકલી અધિકારીઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે જેતપુરમાં બાળ મજૂરી પ્રકરણમાં ફસાયેલા એક કારખાનેદારને ગાંધીનગર સચિવાલયના શ્રમ અધિકારી ડી.કે.પટેલ હોવાની ઓળખ આપીને રૂ. 40 હજારની ખંડણી માગનાર અંદાજે 55 વર્ષીય નકલી અધિકારી વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ નોંધી આરોપીને અમદાવાદથી ઝડપી પાડયો હતો.

જેતપુરના કણકીયા પ્લોટમાં રહેતા અને શિવ ફિનાશિંગ નામનું કારખાનું ચલાવતા મીત મનસુખભાઈ ભુવાના કારખાનામાં થોડા દિવસો પહેલાં બાળ મજૂરી ઝડપાતા પોલીસ કેસ થયો હતો. દરમિયાન, આ નકલી ગઠિયાએ ફોન કરી રાજકોટથી રિપોર્ટ આવ્યાનું જણાવી કારખાનું 90 દિવસ બંધ કરાવવાની તેમજ બાળ મજૂરી કેસમાં બાળકોના મૃત્યુની ગંભીર કલમો ઉમેરી આખી જિંદગી જેલમાં સડાવી દેવાની ધમકી આપી હતી. કારખાનેદાર ગભરાઈ જતાં આરોપીએ જેતપુર રૂબરૂ આવીને ક્લોજર નોટિસનો રિપોર્ટ હળવો કરવાના બદલામાં પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. રૂબરૂ મુલાકાત વખતે કારખાનેદાર મીતભાઈ અને તેમના મિત્ર જીતેન્દ્રભાઈએ ગઠિયાને ડરમાં આવીને રોકડા રૂ. 10,00 રૂપિયા આપી દીધા હતા અને બાકીના રૂપિયા બાદમાં આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ નકલી અધિકારીએ ફોન બંધ કરી દેતા અને કોઈ સાચો પત્તો ન મળતા પોતાની સાથે છેતરાપિંડી થયાનું બહાર આવ્યું હતું. કારખાનેદાર સાથે થયેલી છેતરપિંડીથી સમગ્ર માર્કેટમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપીને અમદાવાદથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીની પુછપરછ કરતાં તેનું નામ રાજેશ ઉર્ફે રાજુ ત્રિવેદી જાણવા મળ્યુ હતું અને તેને અગાઉ સુરત, અમરેલી સહિતના શહેરોમાં પણ આજ પ્રકારનો ગુનો આચર્યો હોવાનું સ્વીકાર્યુંહતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક