ડાયમંડ નેકલેસ ગિફ્ટની લાલચ આપી રૂ. 2.01 લાખ પડાવ્યા, આઠ આંતરરાષ્ટ્રીય નંબરધારકો સામે ગુનો
ગોંડલ,
તા.15 ઃ વિદેશથી મોંઘો ડાયમંડ નેક્લેસ ગિફ્ટમાં મોકલવાની લાલચ આપી ગોંડલની પરિણીતાને
રૂ. 2,01,100નો સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હતો. પાર્સલના કસ્ટમ ટેક્સનાં નામે નાણાં
પડાવી પોલીસ કેસમાં ફસાવવાની ધમકીઓ અપાતાં માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા
કરી લીધી હતી.
ગોંડલના
ગુંદાળા રોડ પર શાંતિનગરમાં રહેતાં હિમેનભાઈ ઘેટિયાની પત્ની નિમિષાબેન (ઉં.વ. 37)નો
થ્રેડ્સ એપ મારફતે અજાણ્યા શખસ સાથે સંપર્ક થયો હતો. ઠગોએ વિદેશી ગિફ્ટના નામે નાણાં
પડાવતાં નિમિષાબેને સોનાનો નેકલેસ ગીરો મૂકી લોન લીધી હતી તેમજ દાગીના વેચી અને પિતા
પાસેથી નાણાં મેળવી કુલ રૂ. 2.01 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
પતિને
સમગ્ર છેતરાપિંડીની જાણ થયા બાદ બીજા દિવસે નિમિષાબેને જીવન ટૂંકાવ્યું હતું. પતિની
ફરિયાદના આધારે ગોંડલ બી ડિવિઝન પોલીસે આઠ આંતરરાષ્ટ્રીય વોટ્સએપ નંબરધારકો સામે આત્મહત્યાની
દુપ્રેરણા, ધમકી અને સાયબર ફ્રોડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.