કોવિકા ડાઈઝ કંપનીમાં રિડક્શન વેસલમાં ઓવરપ્રેશરથી દુર્ઘટના સર્જાયાનું પ્રાથમિક અનુમાન, પોલીસ અને જિકની ટીમે તપાસ હાથ ધરી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.15ઃ ગાંધીનગરના કલોલ નજીક આવેલી છત્રાલ જીઆઇડીસી ફેઝ-4માં સ્થિત કોવીકા ડાયસ એન્ડ
ઇન્ટરમિડીયેટ કેમિકલ ફેક્ટરીમાં ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. કંપનીમાં કામકાજ દરમિયાન
અચાનક સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં ચાર કામદારોએ જીવ ગુમાવ્યા છે.
મળતી
પ્રાથમિક વિગતો મુજબ, ફેક્ટરીમાં અંદાજે 70થી 80 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને
ગરમ કેમિકલ પ્રોસાસિંગનું કામ ચાલી રહ્યું હતું. આ સમયે શ્રમિકો કેમિકલની પાઇપ લાઇન
ફાટિંગનું કાર્ય કરી રહ્યા હતા, ત્યારે અચાનક બોઇલરમાં અતિશય દબાણ (પ્રેશર)વધી જતાં
બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે વેસલ નજીક કામ કરતા ચાર કામદાર પર ઉકળતું કેમિકલ ઉછળતા અને તેઓ ફંગોળાતા
ગંભીર રીતે દાઝી ગયા હતા. ગરમ કેમિકલના સંપર્કમાં આવવાથી ચારેય શ્રમિકના શરીર કાળા
પડી ગયા હતા અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોમાં
વિનોદકુમાર સિંહ (ઉંમર 42 વર્ષ), લક્ષ્મણ મીણા, સિકંદર દેહરી અને ટેડા દેહરીનો સમાવેશ
થાય છે. ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સનો
કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને
કંપનીમાં સુરક્ષાના સાધનો અને બેદરકારી મુદ્દે જરૂરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. સ્થાનિક
પ્રાંત અધિકારી, મામલતદાર અને એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળની તપાસ હાથ ધરી હતી. અકસ્માત
કઈ પરિસ્થિતિમાં સર્જાયો અને તેમાં કોઈ યાંત્રિક ખામી કે સુરક્ષાની બેદરકારી જવાબદાર
હતી કે કેમ, તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાન
કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. ગઢવીએ પણ આ દુર્ઘટટનાની પુષ્ટિ કરતા જણાવ્યું
હતું કે, છત્રાલ જીઆઇડીસીની કોવિકા ડાઈઝ કંપનીમાં કેમિકલ પ્લાન્ટના રિડક્શન વેસલમાં
યાંત્રિક ખામી સર્જાવાને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. આ ઘટનામાં
ચાર કર્મચારીઓનાં મૃત્યુ થયાં છે. વેસલમાં ઓવરપ્રેશર થવાથી વિસ્ફોટ થયો હોવાની શક્યતા
છે, પરંતુ એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. કંપની
પાસે ફાયર એનઓસી સહિતની જરૂરી મંજૂરીઓ ઉપલબ્ધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે, તેમ છતાં
દુર્ઘટનાને પગલે સુરક્ષાનાં તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.