• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

પંચ, પ્રદર્શન અને પોલીસ ઃ સુપ્રીમમાં સુનાવણીનાં કેન્દ્રમાં

વિપક્ષી નેતાઓની અરજી ઉપર ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ સુપ્રીમ સુધી કૂચ મુદ્દે રાહુલનો જવાબ મગાયો બર્બરતા સામે ઉઠતા સવાલ અને પોલીસનાં જવાબ મહિલા પત્રકારની ધરપકડ નહીં કરવા નિર્દેઈં જંતર-મંતર મુદ્દે કેન્દ્રનો જવાબ માગવામાં આવ્યો દિલ્હી મેટ્રોએ માગી માફી

 

નવી દિલ્હી, તા.15ઃ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શનો, પ્રતિબંધો દરમિયાન પોલીસની બર્બરતા અને લાદવામાં આવેલા ઈન્ટરનેટ અને મેટ્રો સહિતનાં નિયંત્રણો, મતદાર યાદીઓન વિશેષ ગહન સુધારણા (સર), મહિલા પત્રકારોની સુરક્ષા, જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનના અધિકાર સહિતનાં વિભિન્ન મુદ્દાઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઓ થઈ હતી અને તેમાં મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે વિવિધ કેસોમાં સંબંધિત પક્ષકારો પાસેથી જવાબો માગતા નોટિસો કાઢી હતી. જેમાં રાહુલ ગાંધી સહિતનાં વિપક્ષનાં નેતાઓની અરજી ઉપર ચૂંટણી પંચને નોટિસ જારી કરવામાં આવી હતી તો સાથોસાથ સુપ્રીમ કોર્ટ સુધી વિપક્ષની કૂચ મુદ્દે રાહુલ ગાંધી પાસેથી પણ સ્પષ્ટતા માગવામાં આવી છે. આ સાથે જ રાહુલનાં વલણ સામે સવાલ ઉઠાવતાં શીર્ષ અદાલતે કહ્યું હતું કે, કોર્ટ કોઈનાં દબાણમાં આવતી નથી કે કોઈનાથી ડરતી નથી. વિરોધ-પ્રદર્શનો દરમિયાન  કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા નાગરિકોના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા અંગે પણ ચર્ચા થઈ હતી.

 

રાહુલ ગાંધીની અરજી પર ચૂંટણી પંચને નોટિસ

 

રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલીમાં ચૂંટણી પંચની મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને પડકારવામાં આવી છે. અરજદારો દ્વારા મતદાર યાદીમાંથી લાયક મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત કરીને પ્રક્રિયામાં પારદર્શિતા, સંબંધિત રેકોર્ડની તપાસ અને મતદારોના અધિકારોનું રક્ષણ કરવાની માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તથા ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી સહિત સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ માગ્યો હતો. જોકે, અદાલતે હજુ સુધી સરની પ્રક્રિયા વિશે કોઈ ટીકા-િટપ્પણ કરી નથી.

 

દિલ્હી મેટ્રોની અદાલતમાં બિનશરતી માફી

 

વિરોધ-પ્રદર્શન પહેલાં દિલ્હીના અનેક મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવા અંગે મૂકવામાં આવેલા પ્રતિબંધો પણ સુપ્રીમ કોર્ટની સુનાવણીનો ભાગ બન્યા હતા. આ મામલે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)એ અદાલત સમક્ષ બિનશરતી માફી માગી હતી. તેના દ્વારા પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી મેટ્રોનું સમગ્ર નેટવર્ક બંધ કરવામાં આવ્યું નહોતું. દિલ્હીના કુલ 303 મેટ્રો સ્ટેશનોમાંથી 258 સ્ટેશનો કાર્યરત રહ્યાં હતાં, જ્યારે 45 સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવા અંગે પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. કોર્પોરેશનના જણાવ્યા મુજબ, 10 અૉક્ટોબરે આશરે 32 લાખ મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો, જ્યારે સામાન્ય રીતે બીજા શનિવારે આ સંખ્યા આશરે 58 લાખ રહે છે. મેટ્રોની માફી છતાં વિરોધ-પ્રદર્શન દરમિયાન જાહેર પરિવહન પર મૂકવામાં આવેલા પ્રતિબંધો કેટલા જરૂરી અને પ્રમાણસર હતા તે અંગે સવાલો યથાવત્ છે. અદાલત આ પ્રતિબંધો તથા તેના અગાઉના નિર્દેશોનું પાલન થયું હતું કે નહીં તેની સમીક્ષા કરી રહી છે.

 

મહિલા પત્રકારોના કથિત ઉત્પીડન અંગે અદાલતની ચિંતા

વિરોધ-પ્રદર્શનનું કવરેજ કરી રહેલી મહિલા પત્રકારો સાથે કથિત દુર્વ્યવહાર અને જાતીય સતામણીનો મુદ્દો પણ આજે સુનાવણી દરમિયાન સામે આવ્યો હતો. ફરિયાદોમાં એક પોલીસ અધિકારી સામે જાતીય દુર્વ્યવહારના આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ, સંબંધિત પત્રકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સંબંધિત મહિલા પત્રકાર સામે બળજબરીભર્યું પગલું ન ભરવા અને ધરપકડ નહીં કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફરિયાદોની તપાસ માટે નિવૃત્ત મહિલા ન્યાયાધીશો, ભૂતપૂર્વ મહિલા ઈંઙજ અધિકારીઓ તથા અન્ય નિષ્ણાતોને સામેલ કરીને સમિતિ રચવાની સંભાવના પર પણ વિચારણા કરવામાં આવી હતી. સમિતિની અંતિમ રચના તથા તપાસની શરતો અંગે ઔપચારિક નિર્ણયની પુષ્ટિ થવાની બાકી છે. આ કેસમાં બંને પક્ષોના આક્ષેપોની તપાસ પણ બાકી છે.

 

ચૂંટણી કમિશનરોને કાનૂની સુરક્ષાને પડકાર

ચૂંટણી કમિશનરોને સત્તાવાર ફરજોના નિર્વાહ દરમિયાન કરાયેલા કેટલાક કાર્યો અંગે મળતી કાનૂની સુરક્ષાને પણ અદાલતમાં પડકારવામાં આવી છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સંબંધિત કાયદાની કલમ 16ની બંધારણીય માન્યતા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જેની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો હતો તથા આ કેસને સમાન પ્રકારના અન્ય એક પડતર કેસ સાથે જોડવાનો નિર્દેશ આપ્યો હતો.

 

કેન્દ્ર સરકારે સુપ્રીમની માફી માગી

 

નવી દિલ્હી, તા. 15 ઃ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિર્ણયનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો છે. સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે જાહેર વ્યવસ્થા જાળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડતી અટકાવવા માટે આ પગલું ભરવું જરૂરી હતું.

જોકે, સરકારે કોર્ટના નિર્દેશોનું જાણીજોઈને ઉલ્લંઘન કર્યું હોવાનો ઇનકાર કરીને બિનશરતી માફી પણ માગી છે. કેન્દ્રએ આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ ગાવિંદ મોહનને આપવામાં આવેલી અવમાનનાની નોટિસ પાછી ખેંચવાની વિનંતી કરી છે.

કેન્દ્ર સરકારના સોગંદનામા અનુસાર, દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી ના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે 10 અૉક્ટોબરે રાત્રે 10 વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાની મંજૂરી માગી હતી. આ વિનંતી પર વિચાર કર્યા બાદ સરકારે મંજૂરી આપી હતી.

આ નિર્ણયને પગલે રાયસીના હિલની આસપાસના ચાર કિલોમીટરના વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ રહી હતી. સોગંદનામા મુજબ, આ પ્રતિબંધ 9 અૉક્ટોબર, 2026ના રોજ રાત્રે 10 વાગ્યાથી 10 અૉક્ટોબર, 2026ના રોજ રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહ્યો હતો. આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

તેના જવાબમાં કેન્દ્રએ જણાવ્યું કે પ્રદર્શનને કારણે જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મર્યાદિત સમયગાળા દરમિયાન આ પગલું ભરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારે સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે માત્ર મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ જ બંધ કરવામાં આવી હતી. વાઇ-ફાઇ, બ્રોડબૅન્ડ અને અન્ય બિનમોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. સરકારના જણાવ્યા અનુસાર, એક સંગઠને જરૂરી મંજૂરી મેળવ્યા વિના વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.

 

રાહુલ ગાંધીને નોટિસ

 

12 ઓક્ટોબરે રેલી મુદ્દે કહ્યું; કોઇ ન્યાયતંત્રને ધમકાવી ન શકે

નવી દિલ્હી, તા. 15 ઃ મતદાર યાદીની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે ‘સર’માં કથિત ગરબડો અને મનસ્વી રીતે મતદારોના નામ રદ કરવાના આક્ષેપ સાથે વિપક્ષ ચૂંટણી પંચ અને સરકારનો સતત વિરોધ કરી રહ્યો છે. આ દરમિયાન 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ તરફ યોજાયેલી માર્ચ અને દેખાવોનો મુદ્દો ભારે ગરમાયો છે.

આ મામલે સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી છે, તો બીજી તરફ ન્યાયતંત્ર પર દબાણ લાવવાના વિવાદાસ્પદ દેખાવો અને માર્ચ મુદ્દે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ યાદવ તેમજ અન્ય પ્રદર્શનકારીઓને પણ નોટિસ ફટકારીને સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ સુનાવણી વખતે ચીફ જાસ્ટિસ સૂર્યકાંતે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે,  ‘અમે કાચના ટાવરમાં નથી બેઠા. આ ન્યાયતંત્રને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ છે. કોર્ટ બહાર અપાઈ રહેલા નિવેદનોથી અમે વાકેફ છીએ.’

આ મુદ્દે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે અને પૂછ્યું છે કે, આ વિરોધ પ્રદર્શનો વખતે ભીડ સુપ્રીમ કોર્ટના પરિસરમાં કેવી રીતે પ્રવેશી.

રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ઇન્ડિયા ગઠબંધન દ્વારા ‘ચલો દિલ્હી, લોકશાહી માર્ચ’નું આયોજન કરાયું હતું, જેમાં હજારો લોકો દિલ્હીમાં ભેગા થયા હતા. આ માર્ચ કાઢવાનો વિપક્ષનો હેતુ કેટલીક માંગ પૂરી કરવાનો હતો. જેમ કે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપે તેમજ ‘સર’ પ્રક્રિયા પર તાત્કાલિક રોક લાગે.

આ માર્ચ કનોટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધી ત્યારે પોલીસે બારાખંભા રોડ નજીક તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન દેખાવકારોએ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને ભગવાન દાસ રોડ પર કેટલાક સમર્થકો પોલીસના વાહનો અને બસ પર ચડી ગયા હતા.

 

સીજેપી પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી ઃ કેન્દ્રને નોટિસ

 

સુપ્રીમ કોર્ટે જંતરમંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવવા પર પણ સરકારને નોટિસ આપી

નવી દિલ્હી, તા. 15 ઃ દેશમાં મતદારયાદી સુધારણા (સર)ની કવાયતમાં ગરબડની રાવ સાથે ચૂંટણીપંચના વડા જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ કરતાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ છેડેલા આંદોલનનો અવાજ દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયો છે. પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી સહિત મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે આકરું વલણ અપનાવ્યું હતું અને કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. સુપ્રીમે આજે સીજેપી પ્રદર્શન             દરમ્યાન મેટ્રો અને ઈન્ટરનેટ બંધ કરવા તેમજ જંતરમંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવવાના ફેંસલા પર કેન્દ્ર સરકારને નોટિસ આપી, જવાબ માગ્યો હતો.

સાથોસાથ, સર્વેચ્ચ અદાલતે 10 ઓક્ટોબરના સીજેપી પ્રદર્શનના તમામ સીસીટીવી ફૂટેજ સંભાળીને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો.

પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી બદલ પણ કેન્દ્ર સરકારને નોટિસ આપતાં અદાલતે કહ્યું હતું કે, સરકારે આ કાર્યવાહી અંગે જવાબ આપવો પડશે.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે પ્રદર્શનકારીઓ, પત્રકારો અને કેન્દ્ર સરકારના પગલાંઓ સાથે જોડાયેલા નવ અલગ-અલગ મામલાઓ પર સુનાવણી કરી હતી.

પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી સાથે જોડાયેલા તમામ મામલામાં નોટિસ આપતાં સુપ્રીમે પોલીસ અને એજન્સીઓને આદેશ આપ્યો હતો કે પ્રદર્શનના તમામ સીસીટીવી, ડિજિટલ ફૂટેજ સુરક્ષિત રાખે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મહિલા પત્રકારો સાથે પોલીસ દ્વારા મારપીટના આરોપોની તપાસ માટે કોર્ટ એક સમિતિ રચશે. અદાલતે એક મહિલા પત્રકારની ધરપકડ પર રોક મૂકવાનો પણ સીધો નિર્દેશ આપ્યો હતો.

અદાલતે પ્રદર્શનો પર થયેલી કાર્યવાહી તેમજ મતદારયાદીમાંથી નામ કાપવાના મામલામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો.

સુપ્રીમે કેન્દ્ર સરકારને આ તમામ મામલામાં કાઉન્ટર એફિડેવિટ એટલે કે, જવાબી સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પત્રકારોના ફોન જપ્ત કરવાના આરોપ બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક