• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ઝિમ્બાબ્વે સામે આજે ભારતની પ્રથમ ઐતિહાસિક T-20 મેચ

રાયપુર, તા.15 : સ્મૃતિ મંધાના ટીમની કાયમી સુકાની બન્યા બાદ ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત મેદાન પર ઉતરવા સજ્જ થઈ છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચોની ટી20 શ્રેણીનો પ્રારંભ 16 ઓક્ટોબરથી રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે થશે. મહિલા ક્રિકેટના ઈતિહાસમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેનો આ સર્વપ્રથમ આમને-સામનેનો મુકાબલો હશે.

ભારતે ગયા મહિને દુબઈમાં એશિયા કપની ટ્રોફી જીતી હતી, ત્યારબાદ જાપાન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો હતો. આ બન્ને ખિતાબી મુકાબલાઓમાં ભારતે શ્રીલંકાને ધૂળ ચટાડીને એશિયન ક્રિકેટ પર પોતાનો દબદબો સાબિત કર્યો હતો. હવે ઘરઆંગણે આ વિજયી લય જાળવી રાખવાનો મંધાના બ્રિગેડનો મુખ્ય ઉદ્દેશ રહેશે. મેચ સાંજે 7:00 વાગ્યે રમાશે.

મહિલા ટી20 ક્રિકેટમાં ઝિમ્બાબ્વેનો તાજેતરનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ચાલુ વર્ષે ટીમને વેસ્ટ ઇન્ડિઝ સામે 0-3, સાઉથ આફ્રિકા સામે 0-5, પાકિસ્તાન સામે 0-3 અને ન્યૂઝીલેન્ડ સામે 0-3થી વ્હાઇટવોશનો સામનો કરવો પડયો છે. તેમ છતાં, પ્રવાસી ટીમને સહેજ પણ હળવાશથી લઈ શકાય નહીં, કારણ કે ગયા મહિને જ તેમણે વન-ડે મુકાબલામાં મજબૂત વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ક્રિકેટ જગતમાં મોટો ઉલટફેર સર્જ્યો હતો. આ સંજોગોમાં ભારતીય ટીમ સંપૂર્ણ સજાગતા સાથે મેદાનમાં ઉતરશે.

ઇ-પેપરના નવા શુલ્ક