• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

નક્કર આધાર વગર ડિજીટલ ફૂટપ્રિન્ટ માગી ન શકે પોલીસ

નિજતાના અધિકાર માટે દાખલારૂપ સ્પષ્ટતા આપતી સર્વોચ્ચ અદાલત : રામમંદિરમાં દાનચોરીનો ઘટસ્ફોટ કરનાર પત્રકાર સામેના કેસમાં પોલીસને ટપારી

નવીદિલ્હી, તા.1પ : રામ મંદિરમાં દાનચોરીનો ઘટસ્ફોટ કરનાર પત્રકાર સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટે આજે નિજતા (પ્રાઇવેસી)ની સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગદર્શક બની શકે તેવી સ્પષ્ટતા અને આદેશ આપ્યો હતો. આઇટી એક્ટ હેઠળ પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અપરાધનાં ઘણાં સમય પહેલાનાં આરોપીનાં ડિજીટલ ફૂટપ્રિન્ટ આપવા માટે નિર્દેશ આપી શકે નહીં તેવી કડક સ્પષ્ટતા આજે સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં  આવી હતી.

સુપ્રીમ કોર્ટે ગાઝિયાબાદ પોલીસનાં એક આદેશને રદ કરી નાખ્યો હતો જેમાં પોલીસે એક્સ(ટ્વિટર)ને પત્રકાર અભિષેક ઉપાધ્યાયના 1 જૂનથી લઈને અત્યાર સુધીમાં ડિજીટલ ફૂટપ્રિન્ટ આપવા માટે આદેશ કર્યો હતો. અભિષેક ઉપાધ્યાય ઉપર 18 ઓગસ્ટની એક માર્ગ અકસ્માત પછીની માથાકૂટમાં સામેલગીરીનો આરોપ હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પોલીસ આઇટી એક્ટની જોગવાઈનો દુરુપયોગ કરીને કોઈના ખાનગી ડેટા માગી શકે નહીં કારણ કે આવું કરવું તેની નિજતાનું ઉલ્લંઘન બને છે. મુખ્ય ન્યાયધીશ (સીજેઆઇ) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની પીઠે કહ્યું હતું કે, અપરાધની તપાસ કરતી વખતે પોલીસે પ્રમાણના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. ડિજીટલ ફૂટપ્રિન્ટની જાણકારી ત્યારે જ માગવી જોઈએ જ્યારે અપરાધ વિશે જાણકારી એકત્ર કરવાનાં અન્ય તમામ વિકલ્પો અપૂરતા સાબિત થયા હોય.

અદાલતે પત્રકારને ધરપકડથી રક્ષણ આપતા વચગાળાના આદેશને યથાવત્ જાળવી રાખ્યો હતો. જો કે આના માટે પત્રકારે તપાસમાં સહયોગ આપવાનો રહેશે તેવી શરત રાખવામાં આવી છે. પત્રકારનાં વકીલ તરફથી અદાલતમાં જણાવવામાં આવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિરમાં દાન ચોરી મામલે ખોજી પત્રકારત્વ કરીને સૌથી પહેલા પોતાના ડિજીટલ પ્લેટફોર્મ ઉપર આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. ત્યારબાદ 18 ઓગસ્ટે ખોટી એફઆઈઆર દાખલ કરીને વાસ્તવિક ઉદ્દેશ તો રામમંદિર દાન ચોરી સંબંધિત સમાચારો માટે જાણકારી એકત્ર કરવાનો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક