ભગુડા ગામની વાડીમાં 8 વર્ષનો
આશિષ લોહીલુહાણ હાલતમાં મળ્યો
તળાજા, તા.27 : તળાજા તાલુકાના
પ્રતાપરા ગામના ખેતમજૂર પરિવાર પર ભગુડા ગામની વાડીમાં દીપડાએ હુમલો કરતાં ચકચાર મચી
ગઈ હતી. કપાસ વીણવાનું કામ કરતી માતાની નજર સામે જ દીપડો આઠ વર્ષના પુત્ર આશિષને મોઢામાં
ઉપાડી ભાગ્યો હતો. જોકે, માતાએ હિંમત હાર્યા વગર જોરશોરથી બૂમો પાડતાં અને દીપડાનો
પીછો કરતાં દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, પ્રતાપરા
ગામનો 8 વર્ષિય આશિષ અશોકભાઈ ભાલિયા ધોરણ-3માં અભ્યાસ કરે છે. આજે બપોરે તે પોતાની
માતા સાથે ભગુડા ગામની વાડીમાં ગયો હતો. માતા કપાસ વીણતી હતી ત્યારે કપાસના છોડમાં
છુપાયેલો દીપડો અચાનક બહાર આવ્યો અને બાળકને મોઢામાં પકડીને ભાગ્યો હતો. આ દ્રશ્ય જોઈ
માતા મકીબેને જોરદાર બૂમો પાડી દીપડાનો પીછો કર્યો હતો. આસપાસની વાડીઓમાં રહેલા લોકોએ
પણ બૂમાબૂમ કરતાં દીપડો બાળકને છોડીને નાસી છૂટયો હતો. પીછો કરતાં માતાને પુત્ર લોહીલુહાણ
હાલતમાં મળી આવ્યો હતો. બાળકને માથા, છાતી અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક
તળાજાની સદવિચાર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં તળાજા
અને મહુવા વનવિભાગના અધિકારીઓ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગયા હતા. વનવિભાગ દ્વારા
નિયમ મુજબ વળતર આપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાડી વિસ્તારમાં દીપડાના
હુમલાની ઘટનાએ ખેડૂતો અને ખેતમજૂર પરિવારોમાં ભય ફેલાવ્યો છે. ખાસ કરીને કપાસ વીણવા
જતાં પરિવારો બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. ખેતરોમાં કામ કરતી વખતે બાળકોને
સુરક્ષિત રાખવા અને વનવિભાગ દ્વારા જરૂરી તકેદારી રાખવાની માગ ઊઠી છે.