• શનિવાર, 27 જુલાઈ, 2024

આરંભડા પાસે જમાદાર પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવાના ગુનામાં બંદરી ગેંગ ઝડપાઈ છએ શખસ પાસેથી ચાર મોબાઇલ, રૂ.3360ની રોકડ સહિત રૂ.23,360ની મતા કબજે કરી

ખંભાળિયા, તા.ર7: મીઠાપુર પોલીસ મથકના જમાદાર દેવાણંદભાઈ ચાવડા સહિતનો સ્ટાફ રાત્રીના આરંભડા પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક બોલેરોને અટકાવવાનો પ્રયાસ કરતા જમાદાર દેવાણંદ ચાવડા પર બોલેરો ચડાવી દેવાનો પ્રયાસ કરી બોલેરો ચાલક સહિતના અજાણ્યા શખસોએ દેવાણદ ચાવડા અને સ્ટાફ પર પથ્થરમારો કરી નાસી છૂટયા હતા.

આ અંગે મીઠાપુર પોલીસે દેવાણંદ ચાવડાની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે ખંભાળિયા - જામનગર હાઇ વે પરની દેવળિયા ચોકડી પાસેથી સેટિયા બાબુ બોકડે, શંકર બાબુ બોકડે, ગોપાલ રાજુ બોકડે, ક્રિશ રાજુ કૈરે, પરબત રાજુ કૈરે અને ભરત મસુ ઉર્ફે પોસિયા ઝીલ્પે નામના છ શખસને ઝડપી લીધા હતા.

પોલીસે છએ શખસ પાસેથી ચાર મોબાઇલ, રૂ.3360ની રોકડ સહિત રૂ.ર3,360 ની મતા કબજે કરી હતી. પકડાયેલ શખસો મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના છે અને તેના વડવાઓ મૂળ વાંદરાના ખેલ કરાવવાનો ધંધો કરતા હોય બંદરી તરીકે ઓળખાતા હતા. હાલમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂંડોની ચોરી કરતા હોવાનું ખૂલ્યું હતું. આ જ્ઞાતિના લોકો અમદાવાદના ભોઈપુરા વિસ્તારમાં રહે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક