• બુધવાર, 01 મે, 2024

અમદાવાદમાં યુવક પર થયેલા ફાયારિંગનો 6 દિવસે ઉકેલાયો ભેદ

60 હજારમાં સોપારી આપી કરાવ્યું’તું ફાયરિંગ

અમદાવાદ, તા. 17 :  અમદાવાદના નરોડામા સુમિતનાથ સોસાયટી પાસે 9 એપ્રિલે યુવક પર થયેલા સરાજાહેર ફાયારિંગની ઘટનાનો આખરે ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાંચે ફાયારિંગ કરનારા શાર્પશૂટર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ ધોળા દિવસે ઘટનાને અંજામ આપ્યો હતો અને ફિલ્મી સ્ટાઈલમાં બાઈક પર આવી યુવક પર નિશાન તાકી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જો કે સદ્નસીબે યુવકનો જીવ બચી ગયો છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ કે પૈસાની લેતી-દેતીમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ શાર્પશૂટરને સોપારી આપી હત્યાનું ષડયંત્ર ઘડયું હતું.

અમદાવાદના નરોડામાં સુમિતનાથ સોસાયટી પાસે હર્ષિલ ત્રાંબડિયા નામના યુવક પર થયેલા 2 રાઉન્ડ ફાયરિંગ કેસનો ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલ્યો છે. પોલીસે શાર્પશૂટર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાને અંજામ આપનાર નયન વ્યાસ, નિરવ વ્યાસ અને અર્જુન દેહદાની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીમાં આરોપીએ હર્ષિલ ત્રાંબડિયા પર ફાયરિંગ કર્યુ હતું. ઘટનાની વાત કરીએ તો નરોડામા હર્ષિલ ત્રાંબડિયા પોતાના મોટા ભાઈને ઓફિસ મુકવા ઘરેથી બાઈક પર નીકળ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખસે બે રાઉન્ડ ફાયારિંગ કર્યું હતું. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરતા ફાયારિંગ કરાવનાર સાળા -બનેવી એવા નયન વ્યાસ અને નિરવ વ્યાસનું નામ ખુલ્યું હતું. ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે સાળા -બનેવી અને શાર્પ શુટર અર્જુન દેહદાની ધરપકડ કરીને હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલી કાઢયો છે.

પોલીસ તપાસમા સામે આવ્યું કે આરોપી નયન વ્યાસ મૂળ ખેડાનો રહેવાસી છે અને નરોડા ભાડે મકાનમા રહે છે. નયન અને હર્ષિલ એકબીજાના પરિચીતમા હતા. નયને થોડા દિવસ પહેલા હર્ષિલને વ્યાજે રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની ઉઘરાણી નયન કરી રહ્યો હતો ત્યારે હર્ષિલે પૈસા પરત આપવાની ના પાડીને અવાર નવાર તેની સાથે ઝઘડો કર્યો હતો. જેની અદાવત રાખીને નયને હર્ષિલનો કાંટો કાઢવાનુ નક્કી કર્યુ હતુ અને હત્યાનું ષડયંત્ર રચી ઉત્તરપ્રદેશથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ ખરીદ્યા હતા ત્યાર બાદ હત્યા કરવા અર્જુન દેહદાને રૂ 60 હજારની સૌપારી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક