હરિયાણામાં એલઆઈસીની વીમા સખી
યોજનાને ખુલ્લી મૂકતાં વડાપ્રધાને વ્યક્ત કરી પ્રતિબદ્ધતા
નવી દિલ્હી, તા.9 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ સોમવારે રાજસ્થાન અને હરિયાણાનો પ્રવાસ કર્યો હતો. શંભુ સરહદે ખેડૂતોના
આંદોલન વચ્ચે હરિયાણા પહોંચેલા પીએમ મોદીએ પાણિપતમાં એલઆઈસીની ‘વીમા સખી’ યોજનાનો આરંભ
કરાવ્યો હતો. અહીં તેમણે જણાવ્યું કે મહિલાઓના વિકાસના માર્ગની તમામ અડચણ દૂર કરવા
ભાજપ સરકાર સંકલ્પબદ્ધ છે.
પીએમે પાણિપતમાં જીવન વીમા નિગમની
વીમા સખી યોજનાને ખુલ્લી મૂકી હતી. આ યોજના હેઠળ વીમા સખી બનનારી 18થી 70 વર્ષ સુધીની
મહિલાઓને દર મહિને પાંચથી સાત હજાર રૂપિયા મળશે.
પીએમે રાજ્યમાં સતત ત્રીજી વખત
ભાજપ સરકાર બનવા અંગે આભાર માન્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે ડબલ એન્જિન સરકાર ત્રીજા
કાર્યકાળમાં ત્રણગણી ઝડપે કામ કરશે.
કિસાન આંદોલનનું નામ લીધા વિના
પીએમે કહ્યું કે અમારી સરકાર એમએસપી પર પાકની ખરીદી કરી રહી છે. એકલા હરિયાણામાં એમએસપી
તરીકે એક લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.