• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

મંદિર-મસ્જિદ વિશે ભાગવતનાં વિધાનનો હેતુ સ્પષ્ટ કરતું પાંચજન્ય

સંઘનાં મુખપત્રમાં ભાગવતનાં નિવેદન ઉચિત ઠરાવીને વિવાદને ઈરાદાપૂર્વકનો ઉન્માદ ગણાવ્યો

નવી દિલ્હી, તા.1: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)નાં વડા મોહન ભાગવતે તાજેતરમાં પોતાનાં એક ભાષણમાં કહ્યું હતું કે, આપણે દરેક મસ્જિદમાં મંદિર શોધવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો રામમંદિર જેવા વિવાદ ઉભા કરીને હિન્દુ નેતા બનવા માગે છે. જેને સ્વીકારી શકાય નહીં. તેમનાં આ વિધાનને એક વર્ગનું સમર્થન તો મળ્યું હતું પણ હિન્દુવાદી સંગઠનો અને કેટલાક સાધુ-સંતો આ બાબતે જાહેર અસહમતી દેખાડી ચૂક્યા છે. આ નિવેદન વિવાદાસ્પદ બનતા સંઘનાં મુખપત્ર પાંચજન્ય સામયિકમાં સંગઠને મોહન ભાગવતનાં નિવેદન પાછળનો અસલી હેતુ જણાવીને વાતને ઉચિત ઠરાવી છે.

પાંચજન્યનાં સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, મસ્જિદ-મંદિર વિવાદો ફરીથી ઉઠવા લાગતા મોહન ભાગવતે પોતાનાં નિવેદનમાં સમજદારીભર્યુ વલણ અખત્યાર કરવા માટે આહ્વાન કર્યુ હતું. તેમણે આ મુદ્દે અનાવશ્યક ચર્ચા અને ભ્રામક પ્રચાર પ્રત્યે સાવચેત કર્યા છે. સંઘનાં મુખપત્ર પાંચજન્યનાં સંપાદક હિતેશ શંકરનાં 28મી ડિસેમ્બરનાં તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, સંઘનાં વડા મોહન ભાગવતનાં મંદિરો વિશેનાં વિધાન ઉપર મીડિયા જગતમાં ઘમાસાણ વાકયુદ્ધ જામી ગયું છે. એમ પણ કહી શકાય કે જાણીજોઈને આવો વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. એક સ્પષ્ટ નિવેદનનાં અર્થઘટન અલગ-અલગ કરવામાં આવી રહ્યાં છે. રોજેરોજ નવી પ્રતિક્રિયા આવી રહી છે. આ સ્વયંસ્ફૂરિત સામાજિક મતનાં બદલે સોશિયલ મીડિયા તજજ્ઞો દ્વારા ઉભો કરવામાં આવેલો ઉન્માદ વધુ દેખાય છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક