અભિનેતાની તબીયત સુધરી : જોકે
હજુ તબીબી નિરીક્ષણ તળે: રિક્ષાચાલકની પોલીસે કરી પૂછતાછ
મુંબઈ, તા.20: અભિનેતા સૈફ અલી ખાન પર તેના નિવાસે હિચકારો હુમલો
કરનારા આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. બાંગલાદેશના
રહેવાસી એવા આરોપીને પોલીસે ગઈકાલે ઝડપ્યો હતો. દરમ્યાન, સૈફની તબીયત ઝડપથી સુધરી રહી
છે જોકે અભિનેતાને હજુ એક કે બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે એમ તબીબોએ જણાવ્યું હતું.
બીજીતરફ, સૈફને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડનારા રિક્ષાચાલકની પોલીસે પૂછતાછ કરી
હતી. દરમ્યાન, રિક્ષાચાલકને એક સામાજિક સંગઠને 11 હજારના ઈનામની જાહેરાત કરી હતી.
આરોપી શરીફુલ ઈસ્લામે પોલીસ સમક્ષ
હુમલાની કબૂલાત કરી હતી. આરોપી બાંદરા વિસ્તારમાં આવેલાં સૈફના ઘરમાં ચોરીના ઈરાદે
ઘૂસ્યો હતો જે દરમ્યાન તેણે સૈફ પર ચાકૂથી છ ઘા કર્યા હતા. સૈફના સ્ટાફને પણ ઈજા પહોંચાડી
હતી. પોલીસે આશરે 70 કલાકના સઘન શોધ અભિયાન બાદ ગઈકાલે આરોપીની ઠાણેથી ધરપકડ કરી હતી.
દરમ્યાન, લીલાવતી હોસ્પિટલ ખાતે
સૈફ અલીની તબીયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. તેને આજે રજા મળવાની હતી પરંતુ તબીબોએ
તેને વધુ એક દિવસ નિરીક્ષણ હેઠળ રહેવાની સલાહ આપતાં હવે એકાદ બે દિવસમાં તેને રજા મળે
તેવી સંભાવના છે.