• શનિવાર, 12 જુલાઈ, 2025

ગ્રામીણ વિકાસ યોજનાઓની સુસ્ત અમલવારી : 34 ટકા રકમ પડી રહી

સંસદની સ્થાયી સમિતિ અનુસાર 2024-25ના ભંડોળમાંથી 60 હજાર કરોડ રૂપિયા વપરાયા જ નહીં

નવી દિલ્હી, તા. 27  : ગ્રામીણ વિકાસ યોજનાઓ માટે દર વર્ષે ભરપુર બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં પણ જમીન ઉપર યોજનાઓ અપેક્ષિત ગતિ પકડી શકતી નથી. ગ્રામીણ વિકસ અને પંચાયતીરાજથી સંબંધિત સંસદની સ્થાયી સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ગ્રામીણ વિકાસની કેન્દ્રીય યોજનાઓ માટે 2024-25મા બજેટનું જે સંશોધિત અનુમાન રાખવામાં આવ્યું હતું તેમાંથી 34.82 ટકા ભંડોળ ખર્ચ થઈ શક્યું નથી.

મંત્રાલયે આ પરિસ્થિતિ પાછળના ઘણા કારણ બતાવ્યા છે. જો કે સમિતિએ ચિંતા વ્યક્ત કરતા સરકારને જમીન ઉપર સક્રિય અમલવારી અને સતત દેખરેખની સલાહ આપી છે. સંસદીય સમિતિ અનુસાર 2024-25ના સંશોધિત બજેટમાં ફાળવવામાં આવેલા 1,73,804.01 કરોડ રૂપિયાના મુકાબલે વાસ્તવિક વ્યય માત્ર 1,13,284.55 કરોડ રૂપિયા રહ્યો હતો. જે સંશોધિત અનુમાનના તબક્કામાં ફાળવવામાં આવેલી રકમથી 34.82 ટકા ઓછો છે.

આર્થિક સમીક્ષા અનુસાર પીએમ આવાસ યોજના (ગ્રામીણ)ના 15,825.35 કરોડ રૂપિયા, પીએમ ગ્રામ સડક યોજનાના 3545.77 કરોડ રૂપિયા, નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામના 1813.34 કરોડ રૂપિયા, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના 2583.16 કરોડ રૂપિયા, મનરેગાના 1627.65 કરોડ અને દીનદયાળ ઉપાધ્યાય-ગ્રામીણ કૌશલ્ય યોજનાના 1313.43 કરોડ રૂપિયા વર્ષ 2024-25મા ખર્ચ થઈ શક્યા નહોતા.

--------------

શાહ સામે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ ખારિજ

નવી દિલ્હી, તા. 27 : રાજ્યસભામાં એક વિધેયક ઉપર જવાબ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહના કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપર કથિત રૂપે આરોપ મુકવાને લઈને રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક જયરામ રમેશે શાહ સામે વિશેષાધિકાર હનન નોટિસ આપી હતી. જો કે રાજ્યસભાના સભાપતિએ જયરામ રમેશના પ્રસ્તાવને ખારિજ કરી દીધો છે. સભાપતિએ આ સાથે કહ્યું હતું કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ ગંભીર છે અને આ મુદ્દો ઉઠાવવામાં ઉતાવળ કરવામાં આવી છે. જે યોગ્ય નથી.

-----------------------

બેન્કિંગ સુધારા વિધેયક રાજ્યસભામાં ધ્વનિમતથી પસાર

બેન્કિંગ કાયદો(સુધારા) વિધેયક-2024 આજે સંસદમાં પસાર થઈ ગયું હતું. આ સુધારા અંતર્ગત બેન્ક ખાતાધારકો મહત્તમ ચાર વ્યક્તિઓને નોમિની (વારસદાર) તરીકે દર્શાવી શકશે. રાજ્યસભામાં આજે આ ખરડો ધ્વનિમતથી મંજૂર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2024માં લોકસભાએ આ ખરડાને બહાલી આપી દીધી હતી. આ વિધેયકમાં અન્ય એક બદલાવ કોઈપણ વ્યક્તિનાં પર્યાપ્ત હિતની વ્યાખ્યા પણ બદલવામાં આવી છે. જેની સીમા વર્તમાન પાંચ લાખ રૂપિયાથી વધારીને 2 કરોડ કરવામાં આવી છે.

---------------------

મોંઘી ફલાઈટથી સાંસદો પણ પરેશાન : સદનમાં થશે ચર્ચા

નવી દિલ્હી, તા. 27 : વિમાન યાત્રાના વધુ પડતા ભાડાના મુદ્દે સાંસદોની ચિંતાઓ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું છે કે તેઓ આ મુદ્દે અડધો કલાક ચર્ચા કરાવશે. સંદનમાં પ્રશ્નકાળમાં ઉડાન યોજના હેઠળ વાજબી હવાઈ યાત્રા મુદ્દે પુરક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જ્યારે અન્ય સભ્યો પણ પ્રશ્ન કરવા માગતા હતા. જેના ઉપર લોકસભા અધ્યક્ષે કહ્યું હતું કે તેઓ સદનમાં અડધો કલાક ચર્ચા કરાવશે.

ઓમ બિરલાએ એમ પણ કહ્યું હતું કે શુક્રવારે ગેર સરકારી કામકાજ હેઠળ સદનમાં એક ખાનગી વિધેયક ઉપર પણ ચર્ચા થવાની છે અને તમામ સભ્યો આ ચર્ચામાં હાજર રહે. હકીકતમાં ભારત આદિવાસી પાર્ટીના રાજકુમાર રોતે પ્રશ્નકાળમાં દાવો કર્યો હતો કે એક જ સમયે એક જ વિમાન યાત્રાની બુકિંગ બે અલગ અલગ લોકો કરાવે તો પણ ભાડામાં અંતર રહે છે. તેમણે ફલાઈટના ભાડાને નિયંત્રીત કરવા માટે પણ વાત કરી હતી. જેના ઉપર નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડૂએ કહ્યું હતું કે વર્તમાન સમયે ડાયનેમિક ફલાઈટ રેન્ટ પ્રણાલી છે. જેમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અપનાવવામાં આવે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025