• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

એસસી-એસટી સદસ્યનાં પ્રત્યેક અપમાન એટ્રોસિટી નથી

કલકતા હાઈકોર્ટનું મહત્ત્વનું અવલોકન : જ્યાં સુધી જાહેરમાં જાતિ આધારિત અપમાન ન થયું હોય ત્યાં સુધી કાયદા હેઠળ અપરાધ બનતો નથી

નવી દિલ્હી, તા.13: એસસી/એસટી ધારાની કલમ 3(1)(આર) હેઠળ અનુસૂચિત જાતિનાં સદસ્યોનાં તમામ અપમાન અત્યાચાર એટલે કે એટ્રોસિટી ગણાવી શકાય નહીં તેવી મહત્ત્વની સ્પષ્ટતા અને અવલોકન કલકતા હાઈકોર્ટ તરફથી કરવામાં આવી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી સાર્વજનિક રીતે ધમકી કે અપમાન ન થયું હોય, ત્યાં સુધી મતભેદ વહીવટી વિવાદ કે કાર્યસ્થળ પર કથિત રીતે અપમાન, આ કાયદા હેઠળ ગુનો ગણાતો નથી.

આ કેસમાં અરજદાર સંસ્કૃત વિષયમાં બી.એ., એમ.એ. અને પીએચ.ડી. કરી ચૂક્યા છે અને સંસ્કૃત કોલેજ એન્ડ યુનિવર્સિટીમાં વિભાગપ્રમુખ તરીકે કાર્યરત છે જ્યારે ફરિયાદી અનુસૂચિત જાતિના છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. આસિસ્ટન્ટ પ્રોફેસરે વિભાગ પ્રમુખ પર ઈર્ષા રાખવાનો અને હેરાનગતિ કરવાનો આક્ષેપ કર્યો હતો.

ફરિયાદ મુજબ વિભાગ પ્રમુખ તેમને વિભાગીય નિર્ણયોમાં સામેલ કરતાં નહોતાં. આ ઉપરાંત વર્ગ અટકાવી દીધા, પરીક્ષાની ફરજ પણ કરવા દીધી નહી અને અૉનલાઇન બેઠક દરમિયાન અપમાનિત કર્યા હતા. ફરિયાદીએ દાવો કર્યો કે આ બધું તેમની જાતિ ઓળખને કારણે થયું, જેના કારણે તેમને માનસિક પીડા સહન કરવી પડી હતી.  જેની સામે જસ્ટિસ ચૈતાલી ચટર્જી દાસે અરજી પર સુનાવણી કરતાં નિષ્કર્ષ આપ્યો હતો કે જો આક્ષેપોને સંપૂર્ણપણે સાચા માનવામાં આવે, તો પણ તે 1989ના એસસી/એસટી અધિનિયમ હેઠળ ગુનાની આવશ્યક શરતો પૂર્ણ થતી નથી.

તપાસ બાદ એસસી/એસટી એક્ટની કલમ 3(1)(આર) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને સમન્સ જારી થયા હતાં. ત્યારબાદ અરજદારે અદાલતનો દરવાજો ખટખટાવ્યો. ફરિયાદ અને કેસ ડાયરીની તપાસ બાદ અદાલતે નોંધ્યું હતું કે આક્ષેપો મુખ્યત્વે વિભાગની અંદરના વહીવટી અને વ્યાવસાયિક મતભેદોથી સંબંધિત હતા. અદાલતે જણાવ્યું કે વર્ણવાયેલી કોઈપણ ઘટનામાં જાહેરમાં જાતિ આધારિત ગાળાગાળી કે અપમાન થયાનું દર્શાવવામાં આવ્યું નથી, જે આ ગુનાની અનિવાર્ય શરત છે. ઉપરાંત, એવો કોઈ સ્પષ્ટ દાવો નહોતો કે અરજદારે ફરિયાદીને તેની જાતિના આધારે જાણીજોઈને અપમાનિત કે ધમકાવ્યા હતા. અદાલતે નોંધ્યું કે ફરિયાદમાં એવી કોઈ સામગ્રી નહોતી કે જેના આધારે સ્પષ્ટ થાય કે ફરિયાદીને જાતિના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. વિવાદ મુખ્યત્વે વ્યાવસાયિક મતભેદોથી જોડાયેલો હતો. કોર્ટએ જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં કાર્યવાહી ચાલુ રાખવી કાયદાનો દુરુપયોગ ગણાશે. તેથી હાઈકોર્ટે ચાર્જશીટ રદ કરી દીધી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

વિશ્વ કપનો પહેલો ઉલટફેર : ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો યાદગાર વિજય 2007 T-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર કાંગારૂ ટીમને હારનો સ્વાદ ચખાડતું ઝિમ્બાબ્વે February 14, Sat, 2026