સામાન્ય લોકો 4 કિ.મી. ચાલીને મેળો માણવા જાય છે ત્યારે વીઆઈપી લોકો પોતાના વાહનોમાં મેળા સુધી પહોંચે છે તેમ છતાં તંત્રના આંખ મિંચામણા
(ફૂલછાબ
ન્યુઝ)
જૂનાગઢ,
તા.13: ભવનાથ તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રી મેળામાં સરકાર દ્વારા વીઆઈપી કલ્ચર ડામવાની જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ કરવામાં
તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ એક કલાકાર પુત્ર બસ સાથે મેળામાં પહોંચ્યાનો વીડિયો વાયરલ
થતા તંત્ર હરકતમાં આવ્યું છે.
શિવરાત્રી
મેળા માટે અનામત 57 એકર જમીનમાંથી માંડ અડધી જમીન ખુલ્લી છે. આ ટૂંકી જગ્યામાં મિનિકુંભ
મહાશિવરાત્રી મેળો યોજાયો છે તેથી તંત્રએ વાહન નિયંત્રણનો નિર્ણય કર્યોં હતો. નાયબ
મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મેળાના પ્રારંભે વીઆઈપી કલ્ચર ડામવાની જાહેરાત કરી હતી, પરંતુ
તંત્ર તેનો અમલ કરી શક્યું નથી. વીઆઈપી કલ્ચર મેળામાં છૂટથી પ્રવેશી રહ્યા છે તેમ છતાં
તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે જ્યારે સામાન્ય પ્રજાજનો, નાના વેપારીઓ પગપાળા તળેટી
પહોંચી મેળો માણી રહ્યા છે. આ બે ધારી નીતિનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સખત વિરોધ
દર્શાવ્યો છે. મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરજ પરના કર્મચારીઓ માટે સેન્ટ્રલી
વાહન વ્યવસ્થા ગોઠવી છે, મીડિયા માટે પણ આ રીતે જ આયોજન કરાયું છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓ
પદાધિકારીઓ, ભાજપના નેતાઓ વાહનોમાં તળેટી સુધી
પહોંચી વીઆઈપી કલ્ચર ભોગવતા સરકારના અભિગમનો સરેઆમ ઉલાળીયો થઈ રહ્યો છે. શિવરાત્રી
મેળો મધ્યાંતરે પહોંચ્યો છે ત્યારે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો તાજેતરમાં જેલમાંથી
છૂટેલો પુત્ર જયરાજ આજે પોતાના મિત્ર મંડળ સાથે બસ લઈ શિવરાત્રી મેળામાં પહોંચ્યો હતો.
તેમ છતાં તંત્રએ તેને અટકાવવાની હિંમત દાખવી નથી. તેથી ભાવિકોમાં નારાજગી ઊભી થઈ છે.
સામાન્ય લોકો 4 કિ.મી. ચાલીને મેળો માણવા જાય છે ત્યારે વીઆઈપી લોકો પોતાના વાહનોમાં
મેળા સુધી પહોંચતા વીઆઈપી કલ્ચર ડામવાના સરકારના અભિગમનો ઉલાળ્યો થઈ રહ્યો છે.