• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

હિંસા વચ્ચે બાંગ્લાદેશમાં ચૂંટણી : મતગણતરી ચાલુ શેખ હસીનાને પદભ્રષ્ટ કરાયા પછી 18 મહિને યોજાઈ ચૂંટણી

ઢાકા,તા.12: પાડોશી દેશ બાંગ્લાદેશને નવી સરકાર મળવા જઈ રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને સત્તાથી હટાવવામાં આવ્યા બાદ 18 મહિના પછી બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. દેશભરની કુલ 299 બેઠકો પર મતદાન દરમિયાન હિંસાની ઘટનાઓ પણ બની હતી. સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી ચાલી રહી છે.  બાંગ્લાદેશમાં હિંસા એક ચિંતાજનક મુદ્દો બની ગયો છે. એક અહેવાલ મુજબ, 1થી 10 ફેબ્રુઆરી વચ્ચે હિંસાની ઓછામાં ઓછી 58 ઘટનાઓ નોંધાઈ છે. છેલ્લા કેટલાક સમયમાં અલ્પસંખ્યકોને નિશાન બનાવવાના બનાવો પણ સામે આવ્યા છે. દેશની નબળી અર્થવ્યવસ્થા સહિત અનેક પડકારો છે, જેનો સામનો નવા પ્રધાનમંત્રીને કરવો પડશે.

બાંગ્લાદેશમાં લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદ માટે ખાલિદા જિયા અને શેખ હસીના વચ્ચે ટક્કર રહી છે. પરંતુ શેખ હસીનાને સત્તાથી દૂર કર્યા બાદ અને ચૂંટણી પહેલા જ ખાલિદા જિયાના નિધન પછી હવે બાંગ્લાદેશ મોટા પરિવર્તન માટે તૈયાર છે. પ્રતિબંધને કારણે શેખ હસીનાની પાર્ટી અવામી લીગ આ ચૂંટણીમાં ભાગ લઈ રહી નથી. ત્યારે બાંગ્લાદેશમાં હાલ પાંચ એવા ચહેરા સામે આવ્યાં છે જેને પ્રધાનમંત્રી પદનાં દાવેદાર માનવામાં આવે છે. આમાં  તારિક રહમાન (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી),  શફીકુર રહમાન (જમાત-એ-ઇસ્લામી), નાહિદ ઇસ્લામ (નેશનલ સિટિઝન પાર્ટી),  મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર અને  સૈયદ રેજાઉલ કરીમ (ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશ)નો સમાવેશ થાય છે.

હિન્દુ યુવકની હત્યા

ઢાકા, તા.1ર : મતદાન પહેલાં બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે. બન્ને પગ બાંધેલા અને લોહીથી લથપથ મૃતદેહ ચાના એક બગીચામાંથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસે હત્યાની આશંકા દર્શાવી છે.  પોલીસે મૃતદેહને કસ્ટડીમાં લીધો છે અને તપાસ શરૂ કરી છે. તેમનો દાવો છે કે તેઓ આ કેસની દરેક દૃષ્ટિએ તપાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં ત્યાં એક હિન્દુ વેપારીની પણ હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન પહેલા ચંપારા વિસ્તારમાં ચાના બગીચામાંથી એક હિન્દુ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, રતન સાહુકર તરીકે ઓળખાતા આ યુવકની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. તેનાં શરીર પર ઈજાના નિશાન હતા અને તે લોહીથી લથપથ હતો.

ઇ-પેપરના નવા શુલ્ક