નવીદિલ્હી,તા.12: કર્ણાટક સ્થિત અલંદ લાડલે મશાઈક દરગાહ પ્રબંધન દ્વારા દરગાહ પરિસરમાં હિન્દુ મહાશિવરાત્રિ પૂજા અને અન્ય હિન્દુ રીત-રિવાજો ઉપર રોક મૂકવાની માગણી કરતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.
દરગાહ
સંચાલને ભારતનાં બંધારણની કલમ 32 હેઠળ અરજી કરી હતી. જેમાં મૌલિક અધિકારોનાં ઉલ્લંઘનનાં
કિસ્સામાં સીધા સુપ્રીમ કોર્ટ જવાની મંજૂરી મળે છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો
કે, દરગાહનાં ધાર્મિક સ્વરૂપને બદલવા માટે પ્રતિ વર્ષ વ્યૂહાત્મક રીતે પૂજાની મંજૂરીની
કોશિશ કરવામાં આવી રહી છે. પ્રબંધન તરફથી સુપ્રીમ કોર્ટને આમાં હસ્તક્ષેપ કરીને દરગાહનાં
મૂળ ધાર્મિક ચરિત્રને જાળવી રાખવાની માગણી કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આનાં
માટે હાઈ કોર્ટ જવાનું સૂચન પણ કર્યુ હતું.
ઉલ્લેખનીય
છે કે, 14મી સદીનાં સૂફી સંત હઝરત શેખ અલાઉદ્દીન અંસારી (લાડલે મશાઈક) અને 1પમી સદીનાં
હિન્દુ સંત રાઘવ ચૈતન્ય સંબંધિત દરગાહનો આ વિવાદ છે. દરગાહ પરિસરમાં રાઘવ ચૈતન્ય શિવલિંગ
નામે ઓળખાતી એક રચના મોજૂદ હોવાનું કહેવાય છે. ઐતિહાસિક રીતે આ સ્થળે હિન્દુ અને મુસ્લિમ
સમુદાય પૂજા-અર્ચના કરતા આવ્યા છે. જો કે 2022માં અહીં પૂજાનાં અધિકારને લઈને તનાવની
સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ગત વર્ષે હાઈ કોર્ટે ત્યાં પૂજાની મંજૂરી પણ આપી હતી. જે પછીથી
સુરક્ષા વચ્ચે સંપન્ન થઈ હતી. એ પહેલા પણ હાઈ કોર્ટનાં આદેશથી ત્યાં સીમિત સંખ્યામાં
પૂજા કરાવાઈ છે.