નેપાળ: 19.3 ઓવર 123
ઇટાલી:
12.4 ઓવર 0/124
મુંબઇ,
તા.12: ઇટાલીએ ઇતિહાસ રચીને આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર વિજય હાંસલ કર્યો છે.
ગ્રુપ સીના આજના મેચમાં ઇટાલીનો નેપાળ સામે 10 વિકેટે પ્રભાવશાળી વિજય થયો હતો. ઇટાલી
તરફથી મોસ્કા બ્રધર્સે કમાલ કરી હતી. બન્ને આક્રમક અર્ધસદી ફટકારી અણનમ રહ્યા હતા.
પાછલા મેચમાં ઇંગ્લેન્ડ સામે અંતિમ દડા સુધી મેચ લઇ જનાર નેપાળ ટીમ આજે ઇટાલી સામે
નતમસ્તક થઇ ગઇ હતી. ઇટાલીએ 124 રનનો વિજય લક્ષ્યાંક 44 દડા બાકી રાખીને 12.4 ઓવરમાં
વિના વિકેટે હાંસલ કરી લીધો હતો.
જસ્ટિન
મોસ્કા અને તેના ભાઇ એન્થની મોસ્કાએ ઇનિંગના પહેલા દડાથી જ નેપાળના બોલરો સામે હલ્લાબોલ
કર્યું હતું. મોસ્કાબંધુએ આક્રમક બેટિંગ કરી ઇટાલીને 10 વિકેટે જીત અપાવી હતી. જસ્ટિન
મોસ્કા 44 દડામાં પ ચોક્કા-3 છક્કાથી 60 અને એન્થની મોસ્કા 32 દડામાં 3 ચોક્કા અને
6 છક્કાથી 62 રને નોટઆઉટ રહ્યા હતા.
અગાઉ
ઇટાલીની શાનદાર બોલિંગ સામે નેપાળ ટીમ 19.3 ઓવરમાં 123 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ
થઇ ગઇ હતી. જેમાં આરિફ શેખના 24 દડામાં 3 ચોક્કાથી 27 રન સર્વાધિક હતા. આ સિવાય વિકેટકીપર
આશિફ શેખના 20, કપ્તાન રોહિત પોડેલના 17 અને કરણ કેસીના 18 રન મુખ્ય હતા. નેપાળના બાકીના
ખેલાડી બે આંકડે પહોંચી શકયા ન હતા. ઇટાલી તરફથી કૃષણ કાલૂગામગેને 3 વિકેટ મળી હતી
જ્યારે બેંજામિન મનેંટીને 2 વિકેટ મળી હતી. અલી હસન, જે. જે. સ્મટસ અને જસપ્રિતસિંઘે
1-1 વિકેટ લીધી હતી.