• સોમવાર, 16 માર્ચ, 2026

ખાંભાના ઈંગોરાળા ગામે નકલી દૂધ બનાવવાનો કાળો કારોબાર ઝડપાયો

ફૂડ વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી : 220 લીટર શંકાસ્પદ દૂધ, 200 કિલો મિલ્ક પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો કબજે

અમરેલી,તા.15: અમરેલી જિલ્લામાં ચાલતાં નકલી દૂધ બનાવવાના કાળા કારોબાર સામે ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે ફૂડ વિભાગ અને ખાંભા પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડતાં નકલી દૂધ બનાવવાનો મોટો જથ્થો ઝડપાયો હતો.

જાણવા મળતી વિગત મુજબ ઇંગોરાળા ગામના પરા વિસ્તારમાં આવેલા બે રહેણાંકી મકાનોમાં શંકાસ્પદ રીતે દૂધ તૈયાર થતું હોવાની માહિતી મળતાં ફૂડ વિભાગ અને ખાંભા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આશરે 220 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી 200 કિલોથી વધુ દૂધ બનાવવામાં ઉપયોગી મિલ્ક પાઉડર તેમજ મોટી માત્રામાં વનસ્પતિ તેલનો જથ્થો પણ મળી આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા સ્થળ પર જ શંકાસ્પદ દૂધનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે મિલ્ક પાઉડર અને વનસ્પતિ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ દૂધના નમૂનાઓ લઈ તપાસ માટે એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા છે. તપાસના અહેવાલ બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

પ્રાથમિક તપાસમાં આ શંકાસ્પદ દૂધનો જથ્થો ઇંગોરાળા ગામના રહેવાસી રાજુભાઈ અને રાણાભાઈના રહેણાંકી મકાનમાંથી ઝડપાયો હતો. સમગ્ર મામલે ખાંભા પોલીસ મથક ખાતે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક