વિમાન ઇંધણનાં ભડકેલા ભાવોથી એરલાઈન્સની હાલત કફોડી : એફઆઈએની ચેતવણી
નવીદિલ્હી,
તા.28: જેટ ફ્યુલ એટલે કે વિમાન ઈંધણની કિંમતોમાં થયેલા તીવ્ર વધારાને કારણે એરલાઇન
કંપનીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે અને જો સ્થિતિમાં જલ્દી સુધારો નહીં થાય તો વિમાન સેવાઓ
ઠપ થવાનો ખતરો પણ ઊભો થઈ શકે છે.
ભારતની
અગ્રણી એરલાઇન કંપનીઓના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (એફઆઈએ) દ્વારા આની ગંભીર
ચેતવણી આપવામાં આવી છે. એફઆઈએ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હાલની કિંમતો એરલાઇન
કંપનીઓ માટે અનુકૂળ નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયને તેનાં તરફથી લખાયેલા પત્રમાં એફઆઈએ
દ્વારા કહેવામાં આવ્યું છે કે, એરલાઇનના ઓપરેશન ચાલુ રાખવા માટે વિમાન ઈંધણ (એવિએશન
ટર્બાઇન ફ્યુઅલ)ની કિંમતોમાં તાત્કાલિક સહાય જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આ સંગઠન એર
ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટનું પ્રતિનિધિત્વ કરે છે. સંકટની ગંભીરતા દર્શાવતા ઉદ્યોગ
સંગઠને જણાવ્યું હતું કે ભારતનો એરલાઇન ઉદ્યોગ ભારે દબાણ હેઠળ છે અને બંધ થવાની કે
કામકાજ રોકવાની કગાર પર છે. એવિએશન ટર્બાઇન ફ્યુલની કિંમતો ખૂબ જ અણધારી બની ગઈ છે,
જેના કારણે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય બંને કામગીરી પર નકારાત્મક અસર પડી રહી છે.
વર્તમાન ભાવ વ્યવસ્થાની ટીકા કરતાં કહ્યું કે એટીએફની એડ-હોક કિંમતોને કારણે એરલાઇન
નેટવર્ક અસ્થિર અને અવ્યવહારુ બની રહ્યા છે. આ અસંતુલનને કારણે રૂટની અર્થવ્યવસ્થા
બગડી રહી છે અને એરલાઇન્સને તેમના નેટવર્કની યોગ્યતા પર ફરી વિચારવું પડી રહ્યું છે.
વિદેશી ઓપરેશન્સ માટે ઈંધણની કિંમતોમાં પ્રતિ લિટર 73-75 રૂપિયાનો વધારો થયો છે, જેના
કારણે કેટલાક રૂટ સંપૂર્ણપણે અવ્યવહારુ બની ગયા છે અને ભારે નુકસાન થઈ રહ્યું છે. આથી
તે ભારતીય એરલાઇન્સના નફામાં વધુ ઘટાડો થયો છે.
એફઆઈએ
દ્વારા સરકાર સમક્ષ કેટલીક માગણીઓ મૂકવામાં આવી છે. જેમાં ડોમેસ્ટિક ઓપરેશન્સ માટે
એટીએફ ઉપર લાગુ 11% એક્સાઇઝ ડ્યુટીને તાત્કાલિક
રીતે સ્થગિત કરવાની માગ સામેલ છે. ઉપરાંત, સ્ટાન્ડર્ડ ક્રેક બૅન્ડ પ્રાઇસિંગ મિકેનિઝમ
ફરી લાગુ કરવાની પણ માગ કરવામાં આવી છે. સાથે જ મુખ્ય એવિએશન હબ્સમાં વેટ ઘટાડવાની
માગણી પણ કરવામાં આવી છે. એફઆઈએનાં કહેવા અનુસાર હાલની કર રચના ખર્ચનું દબાણ વધારી
રહી છે. સતત અસ્થિરતા અને ઊંચી કિંમતો ગંભીર પરિણામો આપી શકે છે. વિમાન ઈંધણની કિંમતોમાં
મનસ્વી વધારો અથવા અસંગત પ્રાઇસિંગ એરલાઇન માટે મોટું નુકસાનકારક બની શકે છે, જેના
કારણે ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી શકે છે. પરિણામે કનેક્ટિવિટી ઘટી શકે, ભાડાં વધી શકે
અને ફ્લાઇટ સમયપત્રકમાં ભારે અસ્થિરતા આવી શકે છે.