નવી દિલ્હી, તા.28: ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પહેલા જ ભારતની હવાઈ સુરક્ષા માટે એક મહત્વનો ઘટનાક્રમ બન્યો છે. લાંબા સમયથી રાહ જોવાતી ચોથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ રશિયાથી ભારત પહોંચાડવા માટે રવાના કરી દેવામાં આવી છે. મે મહિનાના મધ્ય સુધીમાં તે ભારતીય બંદરે પહોંચવાની શક્યતા છે જ્યારે ઓપરેશન સિંદૂરમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પાંચમી એસ-400 સિસ્ટમ આ વર્ષે નવેમ્બરમાં ભારત આવવાની સંભાવના છે.
વિશ્વસનીય
સૂત્રો અનુસાર ભારતીય વાયુસેનાના અધિકારીઓએ 18 એપ્રિલે જ આ ચોથી સિસ્ટમનું પ્રી-ડિસ્પેચ
નિરીક્ષણ પૂર્ણ કરી લીધું હતું. ગયા અઠવાડિયે તેને રશિયાથી ભારત માટે મોકલી દેવામાં
આવી હતી. પાકિસ્તાન સામે મિસાઇલ રક્ષા ગ્રિડને વધુ મજબૂત બનાવવા માટે આ નવા સિસ્ટમને
રાજસ્થાન સેક્ટરમાં તૈનાત કરવાની શક્યતા છે.
ઓપરેશન
સિંદૂર દરમિયાન રશિયન એસ-400 સિસ્ટમે પોતાની શક્તિનું જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.
આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાન સામે 11 લાંબા અંતરની એસ-400 મિસાઇલ દાગી હતી. આ
મિસાઇલોએ દુશ્મન દેશના લડાકૂ વિમાનો, એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ટ્રાન્સપોર્ટ
વિમાનોને ચોક્કસ નિશાન બનાવીને નષ્ટ કર્યા હતાં.
એસ-400માં
લાંબા અંતરનાં રડાર અને મારક ક્ષમતાના ભયને કારણે પાકિસ્તાનને સમજાઈ ગયું હતું કે સિંધુ
નદીના પૂર્વમાં તેનું કોઈપણ હવાઈ પ્લેટફોર્મ સુરક્ષિત નથી. મજબૂરીમાં પાકિસ્તાનને પોતાના
તમામ સક્રિય લડાકૂ વિમાનો અને હવાઈ પ્લેટફોર્મ્સને ભારતીય મિસાઇલોના ખતરાથી બચાવવા
માટે ક્વેટા અને પેશાવર એરબેઝ પર ખસેડવા પડ્યા હતાં. ગભરાયેલા પાકિસ્તાને પંજાબ અને
ગુજરાતમાં તૈનાત ભારતના બે એસ-400 સિસ્ટમને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો,
જે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો.
મોદી
સરકારે હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વધુ પાંચ એસ-400 સિસ્ટમ ખરીદવાની મંજૂરી
આપી છે. તેની રેન્જ 400 કિલોમીટર સુધી રહેશે. ઓપરેશન સિંદૂર હજી પૂર્ણ રીતે સમાપ્ત
ન થતાં, ભારતે ઉપયોગમાં આવેલી મિસાઇલોના સ્ટોકને ફરીથી ભરવા અને મજબૂત રિઝર્વ બનાવવા
માટે 280 ટૂંકા અને લાંબા અંતરની એસ-400 મિસાઇલ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
ચોથી
સિસ્ટમ પાકિસ્તાન સીમા પર તૈનાત થશે અને ત્યારબાદ પાંચમી એસ-400 સિસ્ટમ ચીન સાથે જોડાયેલા
‘િમડલ સેક્ટર’માં તૈનાત થવાની શક્યતા છે. ભારત ખાનગી ક્ષેત્રની મદદથી એસ-400 માટે દેશની
અંદર જ ‘મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ’ (એમઆરઓ) સુવિધા સ્થાપિત કરવાની યોજના બનાવી
રહ્યું છે. સાથે સાથે ‘ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી’ પર પણ વિચારણા ચાલી રહી છે જેથી ભવિષ્યમાં
ભારત આ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બની શકે.