• બુધવાર, 29 એપ્રિલ, 2026

સૌનો સાથ, સૌનો વિશ્વાસ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

- 15 મહાનગરપાલિકા, 34માંથી 33 જિલ્લા પંચાયત, 84માંથી 78 નગરપાલિકા, 253 તાલુકા પંચાયત ભાજપમય

 

-કોંગ્રેસ-આપને શ્રદ્ધેય વિપક્ષ તરીકે પણ સ્થાન નહીં, મોદી- ભાજપ ઉપર હજી વિશ્વાસ અખંડ

-સર્વત્ર વિજયોત્સવ, રાજકોટ મહાનગરપાલિકામાં 78માંથી 65 બેઠક

-ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ 9992 બેઠકમાંથી ભાજપને 74 ટકા (7400), કોંગ્રેસને 18 ટકા (1716) તથા આપ સહિત અન્યોને 7 ટકા (739) બેઠક પર વિજય મળ્યો

 

હૃષિકેશ વ્યાસ

અમદાવાદ તા. 28 : ગુજરાતમાં તા. 26મી એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામમાં ફરી એક વાર ભાજપ સમગ્ર રાજ્યમાં છવાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દરેક સ્તરે પ્રચંડ બહુમતિથી વિજેતા થતાં સર્વત્ર ઉત્સાહ-ઉમંગના દૃશ્યો સર્જાયા હતા. ગરમી, નિરસ ચૂંટણી, કેટલાક વિવાદોની વચ્ચે પણ ભાજપે આવો સિંદૂરી જનમત મેળવ્યો છે. તમામ કાર્યકર્તા, સ્થાનિક નેતાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં 15માંથી 15 મહાનગરપાલિકામાં હવે ભાજપનું રાજ છે. 34માંથી 33 જિલ્લા પંચાયતો, 84માંથી 78 નગરપાલિકામાં કમળ ખીલ્યાં છે. 260 તાલુકા પંચાયતમાંથી 253માં ભાજપનો વિજય થયો છે. આમ આદમી પાર્ટી વિસાવદર તાલુકા પંચાયત પર કબજો મેળવવામાં સફળ થઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોએ અનેક વિસ્તારમાં વિરોધનો સામનો કર્યો હતો પરંતુ પરિણામના દિવસે મતદારોએ તદ્દન અલગ મિજાજ બતાવ્યો છે. કોંગ્રેસ અને આપને લોકોએ 

સક્ષમ વિપક્ષ તરીકે પણ સ્વીકાર્યા નથી.

ગુજરાતની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 7253 વોર્ડ-મતદાર મંડળોની કુલ 9263 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભાજપનો ભગવો ફરી વળ્યો છે અને વિપક્ષોનો રીતસર સફાયો થઈ ગયો છે પરિણામ સ્વરુપ, પ્રદેશ ભાજપ કાર્યાલય-કમલમ સહિત રાજ્યભરમાં અબીલ ગુલાલ, ફટાકડાં અને મિઠાઈઓની વહેંચણી સાથે ભારે દબદબાભેર ઉજવણી કરાઈ રહી છે.

ચૂંટણી પરિણામ મુજબ, રાજ્યની 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 937 બેઠકો ઉપર કેસરિયો લહેરાવ્યો છે. અર્થાત મહાનગરપાલિકાઓની કુલ 1044 બેઠકોમાંથી 90 ટકાના સ્ટ્રાઈક રેટ સાથે ભાજપે 894 બેઠકો પર જીત સાથે 43 બેઠકો બિન હરીફ મેળવી છે. એવી રીતે મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસને 95 બેઠકો મળી છે. જેનો સ્ટ્રાઈક રેટ 9.09 ટકા રહ્યો છે અને આમ આદમી પાર્ટીને 6 બેઠકો તથા અપક્ષોને 2 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે.

એવી રીતે 84 નગરપાલિકાઓની કુલ 2624 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 1988 બેઠકો 75.76 ટકા બેઠકો એટલે કે 1988 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે. કોંગ્રેસને ભાગે નગરપાલિકાઓની 17.49 ટકા એટલે કે 459  બેઠકો પ્રાપ્ત થઈ છે અને આપ સહિતના અન્યોને 6.76 ટકા એટલે કે 177 બેઠકો પર જીત મળી છે. નગરપાલિકા જેવા અર્ધ શહેરી વિસ્તારોમાં ભાજપના વર્ચસ્વને કોંગ્રેસે 17.49 ટકા જેટલો પડકાર આપ્યો છે.

ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર એવા 34 જિલ્લા પંચાયતોની 1090 બેઠકોમાંથી ભાજપે 840 બેઠકો ઉપરાંત 52 બેઠકો બિનહરીફ જીતી છે અને કોંગ્રેસે 136 બેઠક પર વિજય મેળવ્યો છે, આપને 58 અને અપક્ષોને 4 બેઠક મળી છે. જ્યારે 260 તાલુકા પંચાયતોની 5234 બેઠકોમાંથી ભાજપે 69 ટકા એટલે કે 3422 બેઠકો અને 252 બિનહરીફ બેઠકો જીતી છે, કોંગ્રેસે 19.60 ટકા એટલે કે 1080 બેઠકો અને આપને 407 ઉપરાંત અપક્ષોને 94 બેઠકો ઉપર જીત મળી છે. આમ એકંદરે ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ 9992 બેઠકોમાંથી ભાજપને 74 ટકા અર્થાત્ 7400, કોંગ્રેસને 18 ટકા એટલે કે 1716 બેઠકો તથા આપ સહિત અન્યોને 7 ટકા મુજબ 739 બેઠકો પર વિજય મળ્યો છે.

 15 મહાનગરપાલિકાના 251  વોર્ડની 1001 બેઠકો માટે, 84 નગરપાલિકાના 646 વોર્ડની 2326 બેઠકો માટે, 34 જિલ્લા પંચાયતોની 1038 બેઠકો માટે અને 260 તાલુકા પંચાયતોના 5234 મતદાર મંડળોની 4976 બેઠકો મળીને રાજ્યની કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ 7253 વોર્ડ-મતદાર મંડળોની કુલ 9263 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેની મત-ગણતરી રાજ્યના 382 મત-ગણતરી કેન્દ્રો ખાતે 838 હોલમાં ગોઠવાયેલા 6991 ટેબલો પર અંદાજ 28,240 કર્મચારીઓ-અધિકારીઓ અને 10,257 જેટલા વર્ગ-4ના કર્મીઓની સેવા સાથે 33,750 પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

ચૂંટણીના પરિણામો મુજબ, ભાજપે અમદાવાદ સહિત 15માંથી 15 મનપાઓમાં વિજય પતાકા લહેરાવીને સંપૂર્ણ શહેરી વિસ્તારોમાં ફરી એકવાર પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. એવી રીતે ભાજપે 84 નગરપાલિકાઓમાંથી 78 નગરપાલિકાઓ કબજે કરી છે, જ્યારે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાંથી 7 નગરપાલિકાઓમાં શાસનની તક મળી છે એટલે કે 7 નગરપાલિકાઓમાં કોંગ્રેસે જીત મેળીને સત્તા પ્રાપ્ત કરી છે. તે સિવાય 34 જિલ્લા પંચાયતોમાંથી 33 જિલ્લા પંચાયતો ભાજપે પ્રાપ્ત કરી છે અને એક જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું છે. 260 તાલુકા પંચાયતોમાંથી 253 તાલુકા પંચાયતોમાં સત્તા મેળવી છે અને બાકીની 7 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટી તથા અન્યોએ શાસનની ધૂરા હાંસલ કરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક