• બુધવાર, 29 એપ્રિલ, 2026

નવા સીમ માટે બાયોમેટ્રિક ઓળખ બનશે જરૂરી

ડિજીટલ એરેસ્ટ સામે સરકાર એક્શનમાં :  સુપ્રીમને અહેવાલ સુપરત

નવી દિલ્હી, તા.28: દેશમાં ઝડપથી વધી રહેલા ડિજીટલ અરેસ્ટ સ્કેમ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મોટો એક્શન પ્લાન રજૂ કર્યો છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (આઈફોરસી)એ પોતાનાં વિગતવાર રિપોર્ટમાં જણાવ્યું છે કે આવા સાયબર ગુના સામે લડવા માટે ટેલિકોમ વિભાગ, આરબીઆઈ, ટેક કંપનીઓ અને તપાસ એજન્સીઓ સાથે મળીને બહુસ્તરીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમાં હવે નવા સીમકાર્ડ જારી કરવા માટે બાયોમેટ્રિક ઓળખનો નિયમ પણ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશથી દાખલ કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, વોટ્સએપે છેલ્લા 12 અઠવાડિયામાં ડિજીટલ અરેસ્ટ સ્કેમ સાથે જોડાયેલા 9,400 એકાઉન્ટ્સ પ્રતિબંધિત કર્યા છે. દૂરસંચાર વિભાગ અને ટેલિકોમ કંપનીઓએ મળીને ફેક સીમ કાર્ડ્સ સામે ઝડપી કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. હવે લક્ષ્ય છે કે કોઈપણ શંકાસ્પદ સીમની ઓળખ થયા પછી બેથી ત્રણ કલાકમાં બ્લોક કરી દેવામાં આવશે. સીબીઆઈએ નક્કી કર્યું છે કે 10 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈવાળા કેસોની તપાસ તે પોતે હાથમાં લેશે. હાલમાં ત્રણ મોટા કેસ ફરીથી નોંધાયા છે, જેમાં દિલ્હીનો એક કેસ પણ સામેલ છે, જ્યાં એક વ્યક્તિ પાસેથી 22.92 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હતી.  સરકાર નવી બાયોમેટ્રિક ઓળખ ચકાસણી સિસ્ટમ (બીઆઈવીએસ) લાગુ કરવાની યોજના બનાવી રહી છે. જેના દ્વારા દેશભરમાં સીમકાર્ડ જારી કરવાં ઉપર રિયલ-ટાઈમ મોનીટરીંગ થઈ શકશે. તેને ડિસેમ્બર 2026 સુધી અમલમાં મૂકવાનું લક્ષ્ય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક