• શુક્રવાર, 05 જૂન, 2026

સંસ્થાગત વિદ્રોહ શરૂ થવા માંડયો : રાહુલનો ખળભળાટ મચાવતો દાવો

મુખ્ય ચૂંટણી કમિશનરથી માંડીને ગુપ્તચર તંત્ર અને ન્યાયતંત્રમાંથી સંદેશા મળતા હોવાનું કહીને રાહુલે ચકચાર મચાવી

નવીદિલ્હી, તા.4 : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, દેશમાં કામકાજને નિયંત્રિત કરવાની સિસ્ટમ હવે ધ્વસ્ત થવા લાગી છે અને તેનો અંદાજ છે કે, નરેન્દ્ર મોદી એક વર્ષની અંદર જ વડાપ્રધાન પદ ઉપર નહીં હોય. પક્ષની આદિવાસી પાંખ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, હવે સરકારની ભીતર સંસ્થાગત વિદ્રોહ શરૂ થઈ રહ્યો છે અને બહુ મોટું આર્થિક સુનામી ત્રાટકવાનું છે. તેમણે આગળ કહ્યું કે, મને મુખ્ય ચૂંટણી કમિશનરનાં મેસેજ આવી રહ્યાં છે, ખુફિયા સિસ્ટમનાં પ્રમુખ અને ન્યાયતંત્રના ઉચ્ચ પદસ્થ લોકો તરફથી વિદ્રોહ થવા લાગ્યો છે.

તેમણે પોતાનાં આ ભાષણનો એક સંક્ષિપ્ત વીડિયો પણ જારી કર્યો હતો. જેમાં તેઓ કહે છે કે, ભયંકર આર્થિક સુનામી આવી રહ્યું છે. સરકારે અર્થતંત્રને સુરક્ષિત કરતાં કવચને જ હટાવી નાખ્યું છે. આટલું ભયંકર આર્થિક તોફાન લોકોએ જીવનમાં ક્યારેય જોયું નહીં હોય. એકબાજુ આર્થિક તોફાન આવી રહ્યું છે અને બીજીબાજુ સિસ્ટમમાં સંસ્થાગત વિરોધ અને વિદ્રોહ થવા લાગ્યો છે. ચૂંટણી પંચ તો સંપૂર્ણપણે નિયંત્રિત હોવાનું આપણને દેખાય છે પણ હવે ચૂંટણી કમિશનરના મેસેજ આવી રહ્યા છે. ગુપ્તચર વ્યવસ્થાના પ્રમુખ અને વરિષ્ઠ ન્યાયિક લોકો તરફથી વિદ્રોહ થવા માંડયો છે. મને આવા સંદેશ મળી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક