• શુક્રવાર, 05 જૂન, 2026

રાજ્યસભાની રેસમાં સૌરાષ્ટ્રનો દબદબો !

ભાજપે જાહેર કરેલા 4 પૈકી 2 ઉમેદવારો જીતેન્દ્ર કણઝારિયા

            અને માનસિંહ પરમાર સૌરાષ્ટ્રના પ્રતિનિધિ

ચાર પૈકી 3 ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી ઓછી

અમદાવાદ તા.4 : ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે જેમાં સૌરાષ્ટ્રને વિશેષ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. પાર્ટીએ જાહેર કરેલા 4 ઉમેદવારોમાંથી 2 ચહેરાઓ  જીતેન્દ્ર કણઝારિયા અને માનસિંહ પરમાર સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે મુકેશ રાઠવા મધ્ય ગુજરાતમાંથી આવે છે.

ભાજપે આ વખતે ‘નો રિપીટ’ થિયરી અમલમાં મૂકી છે. વર્તમાન રાજ્યસભાના સાંસદોમાંથી કોઈને પણ ફરી ઉમેદવારી આપવામાં આવી નથી, નરહરી અમીન, રમીલા બારા અને રામભાઈ મોકરિયાનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ભાજપે સૌરાષ્ટ્રને વિશેષ મહત્વ આપીને પ્રદેશના સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં લીધા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સૌરાષ્ટ્ર ભાજપ માટે મહત્વનો રાજકીય વિસ્તાર રહ્યો છે અને પાર્ટી આ વિસ્તારની મજબૂત પકડ જાળવી રાખવા માંગે છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં રાજુભાઈ શુક્લ કડી ભાજપના પાયાના કાર્યકર છે અને સુરેન્દ્રનગરના પ્રભારી છે. જીતેન્દ્ર કણઝારિયા દ્વારકા જિલ્લા ભાજપના મોટા કાર્યકર છે તેઓ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈના પુત્ર છે.

આ ઉપરાંત માનસિંહ પરમારની વાત કરવામાં આવે તો તેઓ ગીર સોમનાથના વતની છે, હાલમાં તેઓ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સક્રિય છે. જ્યારે મુકેશ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના મહામંત્રી છે. પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં સામાજિક અને પ્રાદેશિક સમીકરણોનું વિશેષ ધ્યાન રાખ્યું છે. યુવા અને અનુભવી નેતાઓના સંયોજન સાથે પાટીદાર, ઓબીસી, એસી અને એસટી સમાજના પ્રતિનિધિત્વને મહત્વ આપવામાં આવ્યું હોવાનું જોવા મળે છે. રાજુભાઈ શુક્લાને બાદ કરતા અન્ય ત્રણેય ઉમેદવારો 45 વર્ષથી ઓછી વયના છે.

કોની કોની ટર્મ પૂર્ણ થઈ ?

નરહરી અમીન

રામ મોકરિયા

શક્તિસિંહ ગોહિલ (નિવૃત)

રમીલાબેન બારા

સૌરાષ્ટ્રમાંથી રાજ્યસભામાં ગયેલા નેતાઓ

મનુભાઈ શાહ

ચીમનભાઈ શુક્લ

વિજયભાઈ રૂપાણી

શક્તિસિંહ ગોહિલ

અભય ભારદ્વાજ

રામભાઈ મોકરિયા

બાબુભાઈ દેસાઈ

ગોવિંદ ધોળકિયા

કેસરીદેવસિંહ ઝાલા

----------------

અરુણાચલ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે પણ ઉમેદવારો જાહેર

નવી દિલ્હી, તા. 4 : ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે વિભિન્ન ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે. પક્ષે અરુણાચલ પ્રદેશથી થાઈ તગાકને ઉમેદવાર બનાવ્યા છે. મધ્ય પ્રદેશથી તરુણ ચુધ અને રજનીશ અગ્રવાલ મેદાનમાં ઉતરશે. મણિપુરથી એ. શારદા દેવી, રાજસ્થાનથી અલ્કા ગુર્જર અને સતીશ પૂનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપે 2026ની પેટાચૂંટણી માટે ઓરિસ્સાથી દેબાશીષ સામંતરાયને ટિકિટ આપી છે. ચૂંટણી પંચે રાજ્યસભાની 27 બેટક અને ત્રણ રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત કરી દીધો છે. સોમવારે ઘોષિત કાર્યક્રમ અનુસાર 18 જૂનના રોજ ચૂંટણી થશે. આ માટે મતદાન 18 જૂનના સવારે 8થી સાંજે ચાર વાગ્યા સુધી થશે અને સમાન દિવસે સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. રાજ્યસભાની 24 સીટ માટે 10 રાજ્યમાં ચૂંટણી થશે.


ઇ-પેપરના નવા શુલ્ક