• શુક્રવાર, 05 જૂન, 2026

મોદી આજે સુરતમાં : હજીરાના ડિફેન્સ પ્લાન્ટમાં સુરક્ષા સંબંધિત પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતના 18 હજાર કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

સુરત તા. 4: આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી પહોંચવાના છે ત્યારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને રૂા. 18 હજાર કરોડથી વધુના વિકાસના કામોની ભેટ મળશે. વડાપ્રધાનની મુલાકાતનો પ્રારંભ હજીરા એલએન્ડટી પ્લાન્ટથી થશે, ત્યાર બાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનની ઐતિહાસિક મુલાકાત અંતર્ગત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓને અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ મળશે. જેમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રૂ.4,852 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત શામેલ છે, જેમાં સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લાની વિકાસના કામોનો સમાવેશ થાય છે. 

વડાપ્રધાન સુરત એરપોર્ટથી હજીરા પહોંચી એલ એન્ડ ટી  ડિફેન્સ કોમ્પલેક્ષના સુવિધાઓનું નિરીક્ષણ કરશે. અહીં ચાલી રહેલા ઔદ્યોગિક કામગીરી અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે લગભગ 45 મિનિટ વિતાવશે. હજીરામાં આવેલી એલએન્ડટીની આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ જાન્યુઆરી 2019ના રોજ કર્યું હતું. આ જ પ્લાન્ટમાં કે9 વ્રજ-ટી 155 એમએમ-52 કેલિબર સ્વચાલિત તોપનું ઉત્પાદન શરૂ થયું હતું. એક ચર્ચા મુજબ વડાપ્રધાન મોદી ભારત સરકારની ભાગીદારી હેઠળ ચાલતા સબ મરિન નિર્માણ પ્રોજેક્ટની વિગતો પણ લઈ શકે છે. વડાપ્રધાન મોદીની હાલની મુલાકાત દરમિયાન નવા ઓર્ડર હેઠળના ઉત્પાદનની પ્રગતિનું પ્રદર્શન થઈ શકે છે.

--------

સુરતમાં પર્યાવરણ દિને વિશેષ સંદેશ ઇન્ડોર સ્ટેડિયમથી અપાશે 

શહેરના અદ્યતન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાનના ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સામાન્ય રીતે મોટા સરકારી કે જાહેર સમારંભોમાં ડિજિટલ ફ્લેક્સ બેનરો અને પ્લાસ્ટિક મટીરિયલનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળે છે, પાચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાનારા કાર્યક્રમનું મુખ્ય સ્ટેજ માત્ર ભવ્યતા જ નહીં, પરંતુ પ્રકૃતિ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટીનો એક વિરાટ વૈશ્વિક સંદેશ આપનારું માધ્યમ બનશે. આ ગૌરવવંતી થીમને સાકાર કરવા માટે સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને પર્યાવરણ સ્નેહી પહેલ હાથ ધરવામાં આવી છે. ફાઇન આર્ટસ વિભાગના મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર્સ કૃતિબેન પટેલ, કિનલબેન પટેલ અને માનસીબેન ચાંદિવાલાના કુશળ અને પ્રોત્સાહક માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના 15 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓની આખી ટીમ રાત-દિવસ એક કરીને 48 બાય 14 ફૂટનું વિરાટ કદ ધરાવતું સંપૂર્ણ હેન્ડમેડ બેકડ્રોપ (સ્ટેજની પાછળના ભાગનું હોર્ડિંગ) તૈયાર કરી રહી છે. આ ભવ્ય કલાકૃતિને સમયસર અને આકર્ષક રીતે આખરી ઓપ આપવા માટે આ યુવા કલાકારોની ટીમ સ્ટેડિયમ ખાતે અવિરતપણે કામગીરી કરી રહી છે.

-------------

48 ચિત્રકારોએ બનાવ્યા ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ હોર્ડિંગ્સ

વડાપ્રધાન મોદીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે સુરતની મુલાકાતે આવનાર વડાપ્રધાન મોદીના સ્વાગત માટે દક્ષિણ ગુજરાતના 48 ચિત્રકારોએ ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ હોર્ડિંગ્સ તૈયાર કર્યા છે. સુરત, ભરૂચ, બારડોલી, નવસારી, વાપી અને વલસાડ સહિતના જિલ્લાઓમાંથી વિવિધ 48 કલાકારોએ માત્ર 3 દિવસમાં સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ હોર્ડિંગ્સ અને પોસ્ટરો તૈયાર કર્યા છે. જેમાં 10*10ના 40 અને 10*15ના 20 મળી કુલ 60 પોસ્ટરો થીમ આધારિત બનાવાયા છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક