ખોટા આધાર કાર્ડ અને દસ્તાવેજોના આધારે રહેતા ઘૂસણખોરો સામે પોલીસની કડક કાર્યવાહી; તપાસ બાદ ડિપોર્ટ કરાશે
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ તા.4: રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી
નાગરિકો સામે ગુજરાત પોલીસે એક મોટું અને વિશેષ અભિયાન હાથ ધર્યું છે. ’ઓપરેશન ડેલ્ટા
હન્ટ’ અંતર્ગત રાજ્યના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન ચલાવીને આજે
સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 501 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
ક્રાઈમ
બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ શરૂ કરાયેલા
આ ઓપરેશન માટે રાજ્યભરમાં 30થી વધુ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ સંવેદનશીલ
વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી ગેરકાયદે રીતે રહેતા ઘૂસણખોરોને શોધી કાઢ્યા છે.
પોલીસ
તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો એજન્ટોના માધ્યમથી બાંગ્લાદેશથી
ભારતમાં પ્રવેશ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, તેઓ પશ્ચિમ બંગાળના સરનામાઓના આધારે ખોટા
આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો તૈયાર કરાવતા હતા. અટકાયત કરાયેલા તમામ લોકોના દસ્તાવેજોની
ચકાસણી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય પ્રક્રિયા અનુસાર તમામ ગેરકાયદે બાંગ્લાદેશી
નાગરિકોને ગુજરાતમાંથી ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગત વર્ષે પકડાયેલા
બાંગ્લાદેશીઓમાં લલ્લુ બિહારી અને અન્ય એજન્ટનું નામ સામે આવ્યું હતું. જેથી આ વખતે
પણ તેની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન કેટલીક
બાંગ્લાદેશી મહિલાઓ સ્પા સેન્ટરોમાં કામ કરતી હોવાની માહિતી પણ સામે આવી છે. ખોટા દસ્તાવેજો
તૈયાર કરવામાં સંડોવાયેલા એજન્ટો અને અન્ય લોકોની ભૂમિકા અંગે પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક
તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય પોલીસનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને
ધ્યાનમાં રાખીને આવા ગેરકાયદે નેટવર્ક સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ભાવનગર
: સેન્ટ્રલ બસ ડેપો ખાતે એલસીબી અને પોલીસ કાફલાએ ઓચિંતો દરોડો પાડી ચાકિંગ હાથ ધર્યું
હતું. બસ સ્ટેશન પરિસરમાં શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા ઈસમોની કડક પૂછપરછ કરવામાં
આવી હતી. આ ઓપરેશન દરમિયાન જિલ્લાભરમાંથી અત્યાર સુધીમાં કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોને
અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે તમામના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના આઈ.ડી.
પ્રૂફ અને અન્ય દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરી હતી. જો કે, પ્રાથમિક તપાસના અંતે
આ 25 પૈકી કોઈ પણ વ્યક્તિ બાંગ્લાદેશી ઘૂસણખોર ન હોવાનું માલૂમ પડતા પોલીસે રાહતનો
શ્વાસ લીધો હતો.
જોમનગર
: જિલ્લાભરમાં હાલ પોલીસની જુદી જુદી ટીમો સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે અને અત્યાર સુધીમાં
11 જેટલા શકમંદોને દબોચી લેવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. ખાસ કરીને
દરેડ જીઆઇડીસી અને મેઘપર પોલીસ મથક હેઠળ આવતા વિસ્તાર તથા ધાર્મિક સ્થાનો પર પોલીસ
દ્વારા ચાકિંગ આદરવામાં આવ્યું હતું. જેમાંથી મળી આવેલા 11 લોકોને હાલ પોલીસની નજર
હેઠળ રાખીને તેઓના ડોક્યુમેન્ટની તપાસણી ચાલી રહી છે. જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાચો
આંકડો સામે આવી શકે છે.
મોડાસા
: અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા છ અલગ-અલગ ટીમો બનાવી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તપાસ
હાથ ધરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા
કુલ 13 વ્યક્તિઓને પૂછપરછ માટે એસ.ઓ.જી. કચેરીએ લાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ
વ્યક્તિઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી જરૂરી આધાર-પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે
અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
ચોટીલા
: ચોટીલા પંથકમાં બાંગ્લાદેશ સાથે આડકતરો કે સીધો સંપર્ક ધરાવતા હોવાની ગુપ્ત માહિતીના
આધારે ચોટીલા પોલીસે રાતોરાત સપાટો બોલાવ્યો છે. પોલીસે હાલ 6 જેટલા સ્થાનિક યુવાનો
અને એક મહિલા સહિત કુલ સાત શંકાસ્પદોને રાઉન્ડ-અપ કરી ખાનગી રાહે સઘન પૂછપરછ શરૂ કરી
છે.