• શુક્રવાર, 05 જૂન, 2026

દિગ્ગજ નિર્માતા પહેલાજની વિદાય

સેન્સર બોર્ડના પૂર્વ વડાનું 76 વર્ષે નિધનથી સિનેજગતમાં શોક; ગોવિંદાને સફળ કલાકાર બનાવ્યો

મુંબઈ, તા. 4 : ફિલ્મ નિર્માતા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ના અધ્યક્ષ રહી ચૂકેલા પહેલાજ નિહલાણીનું બુધવારની મોડી રાત્રે ત્રણ વાગ્યે લાંબી માંદગી બાદ 76 વર્ષની વયે નિધન થયું હતું.

ગોવિંદા જેવા સફળ અભિનેતાને 1986માં ‘ઈલ્ઝામ’ ફિલ્મથી બ્રેક આપનાર પહેલાજની વિદાયથી ભારતીય સિનેજગતમાં શોકની લાગણી ફેલાઈ હતી. નિહલાણીએ આંખે, શોલા ઔર શબનમ, અંદાજ, પાપ કી દુનિયા, તલાશ, રંગીલા રાજા જેવી ફિલ્મો આપી હતી. નિર્માતા તરીકે પહેલી ફિલ્મ ‘હથકડી’ બનાવીને ફિલ્મી સફર શરૂ કર્યા બાદ 1985માં ‘આંધી-તુફાન’ ફિલ્મે પહેલાજને બોલીવૂડમાં નિર્માતા તરીકે ઓળખ અપાવી.

1986માં ‘ઈલ્ઝામ’ ફિલ્મ બનાવી. આ ફિલ્મથી ગોવિંદાએ કારકિર્દી શરૂ કરી હતી. ફિલ્મ હિટ રહી હતી. પહલાજે 1990ના દાયકામાં શોલા ઓર શબનમ અને આંખે જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ખાસ કરીને ‘આંખે’ એ દોરની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. પહેલાજ 2015થી 2017 વચ્ચે સેન્સરબોર્ડના અધ્યક્ષ રહ્યા હતા. કોરોનાથી તબિયત બગડયા બાદ દવાઓની અસરથી કિડની ખરાબ થઈ ગઈ હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક