• ગુરુવાર, 04 જૂન, 2026

તોરણિયાના ખેડૂતો સાથે 14.5 લાખની છેતરાપિંડીનો આક્ષેપ

મહાવીર એન્ટરપ્રાઇઝના સંચાલક સહિત ત્રણ સામે ધોરાજી તાલુકા પોલીસમાં લેખિત ફરિયાદ

ધોરાજી,તા.3 : તાલુકાના તોરણિયા ગામમાં નવ જેટલા ખેડૂતો સાથે અંદાજે રૂ.14.5 લાખની છેતરાપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મહાવીર એન્ટરપ્રાઇઝના સંચાલક જયદીપ ભગવાનજીભાઈ સાણદિયા, મેનેજર વિપુલ ચુનીલાલ દેલવાડિયા અને દલાલ શૈલેષ હીરાભાઈ ડોબરીયાએ ઘઉં, તુવેર અને સોયાબીન સહિતની ખેતી ઉપજ ખરીદી હતી, પરંતુ નક્કી કરેલી મુદતમાં ચૂકવણી કર્યા વગર ગાયબ થઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખેડૂત કાંતિભાઈ નારણભાઈ કાછડીયાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. તેમના જણાવ્યા મુજબ તેમણે 19,750 કિલો ઘઉં વેચીને રૂ.4.54 લાખ મેળવવાના હતા. આરોપીઓએ આરટીજીએસ અથવા ચેક મારફતે રકમ ચૂકવવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં સંપર્ક તોડી દીધો હતો.

ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું હતું કે, આરોપીઓએ ખેડૂતોનો વિશ્વાસ જીતીને માલ ખરીદ્યો અને બાદમાં પૂર્વ આયોજન મુજબ પેઢી બંધ કરી મોબાઇલ ફોન પણ બંધ કરી દીધા હતા. તપાસ દરમિયાન આરોપી દ્વારા પોતાની જમીન અન્યના નામે કરવાની કાર્યવાહી પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ખેડૂતોના પણ લાખો રૂપિયાના નાણાં બાકી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ધોરાજી તાલુકા પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ અન્ય ગામોના ખેડૂતો પણ આવી જ છેતરાપિંડીનો ભોગ બન્યા હોવાની ચર્ચા વચ્ચે પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક