અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 5 : મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી
ઘટના સામે આવી છે. ગઈકાલે જન્માષ્ટમીના દિવસે કડીના સૂરજ ગામનાં તળાવમાં નાહવા પડેલા
ત્રણ યુવાનનાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યાં છે. આ દર્દનાક ઘટનાના સમાચાર
વાયુવેગે પ્રસરતાં જ સૂરજ ગામ સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
મળતી
માહિતી મુજબ, કડીના ત્રણ મિત્રો અને સુરજ ગામનો એક મળીને કુલ ચાર મિત્રો સૂરજ ગામના
તળાવ કિનારે ફરવા અને નાહવા માટે ગયા હતા. આ દરમિયાન ચારમાંથી એક મિત્ર નાસ્તો લેવા
માટે બહાર ગયો હતો, જ્યારે બાકીના ત્રણ મિત્ર તળાવનાં પાણીમાં નાહવા માટે પડયા હતા.
તળાવમાં પાણીનું ઊંડાણ વધુ હોવાથી અને અંદાજ ન રહેવાના કારણે ત્રણેય યુવાનો એક પછી
એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેઓનાં ઘટનાસ્થળે જ નીપજ્યાં હતાં.
ઘટના
અંગે સ્થાનિકોને જાણ થતાં મહેસાણા મહાનગરપાલિકાની ફાયર શાખાને તાત્કાલિક જાણ કરવામાં
આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ તળાવમાંથી ત્રણેય યુવાનના
મૃતદેહોને બહાર કાઢયા હતા. ઘટનાની જાણ થતાં કડી પોલીસ સ્ટેશનની ટીમ પણ સ્થળ પર પહોંચી
ગઈ હતી. કડી પોલીસના પીએસઆઇએ ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે
હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી
છે.