જગતમંદિરમાં જન્મોત્સવની આરતીથી લઈને આહિર સમાજની શોભાયાત્રા અને છપ્પનભોગ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં દેશ-વિદેશથી લાખો ભાવિકો જોડાયા
ત્રણ
દિવસ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સવનો અનોખો સંગમ જોવા મળ્યો
દ્વારકા,
તા.5 : યાત્રાધામ દ્વારકામાં શ્રાવણી અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને
ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દ્વારકાધીશ જગતમંદિર ખાતે રાત્રિના 12 વાગ્યે
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની આરતી યોજાતા સમગ્ર મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો, જય
કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠયું હતું. જગતમંદિરને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં
આવ્યું હતું. જન્મોત્સવના દર્શન માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા
હતા.
જન્માષ્ટમી
નિમિત્તે શહેરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. કાન્હા વિચાર
મંચના નેજા હેઠળ આહિર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. પરંપરાગત વેશભૂષા, રાસ-મંડળી
અને સુવર્ણ રથમાં ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપે યાત્રાની શોભામાં વધારો કર્યો હતો. શોભાયાત્રામાં
સૌરાષ્ટ્ર અને ગુજરાતના આહિર સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા.
જન્માષ્ટમીના બીજા દિવસે પારણા નૌમના પર્વે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના બાલસ્વરૂપને
પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા તેમજ છપ્પનભોગનો અન્નકૂટ મનોરથ યોજાયો હતો.
ઉપરાંત
ભડકેશ્વર મહાદેવ મંદિરે ‘િશવ-કૃષ્ણ મિલન’ના વિશેષ દર્શન યોજાયા હતા. દ્વારકાના અન્ય
મંદિરોમાં પણ જન્મોત્સવની ઉજવણી થઈ હતી. શહેરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે
ચા-નાસ્તા અને ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ દિવસ દરમિયાન દ્વારકાધીશ જગતમંદિરમાં
લાખો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જન્માષ્ટમી
પર્વને લઈને દ્વારકાનગરીમાં વહેલી સવારથી જ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં
ભાવિકોએ ગોમતી ઘાટે પવિત્ર સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના દર્શન માટે મંદિર તરફ પ્રયાણ
કર્યું હતું. મંદિર પરિસર તેમજ શહેરના મુખ્ય માર્ગો પર ભાવિકોની લાંબી કતારો જોવા મળી
હતી. રાત્રિના જન્મોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં
આવી હતી અને વ્યવસ્થાપકો તથા સેવાભાવી કાર્યકરોએ ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે સતત
સેવા બજાવી હતી.
ભગવાન
શ્રીકૃષ્ણના જન્મોત્સવનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવતા દ્વારકાની
બહાર રહેલા ભક્તોને પણ ઘરે બેઠા જન્મોત્સવના દર્શનનો લાભ મળ્યો હતો. જગતમંદિરના સત્તાવાર
ડિજિટલ માધ્યમો પરથી કરવામાં આવેલા જીવંત પ્રસારણને દેશ-વિદેશના અનેક કૃષ્ણભક્તોએ નિહાળ્યું
હતું. આમ, જન્માષ્ટમીના ત્રણ દિવસ દરમિયાન દ્વારકા નગરીમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સવનો
અનોખો સંગમ જોવા મળ્યો હતો અને સમગ્ર દ્વારકા ‘જય દ્વારકાધીશ’ના જયઘોષથી ગુંજી ઊઠી
હતી