અલ નીનોની ઉત્તર ભારતમાં શિયાળાનો ગાળો ટૂંકો થવાની ભીતિ : રવીપાકની ખેતીને અસર થઇ શકે
નવી
દિલ્હી, તા. 5 : એક તરફ વિશ્વના અનેક ભાગો પૂર અને દુષ્કાળનો સામનો કરી રહ્યા છે, ત્યારે
બીજી તરફ પ્રશાંત મહાસાગરમાં બની રહેલી સ્થિતિ આવનારા મહિનાઓમાં હવામાનની ચાલ સંપૂર્ણપણે
બગાડી શકે છે. વિશ્વ હવામાન સંસ્થાએ ચેતવણી આપી છે કે, પ્રશાંત મહાસાગરમાં હાલમાં સક્રિય
‘અલ નીનો’ વધુ મજબૂત બનીને અત્યંત શક્તિશાળી રૂપ ધારણ કરી શકે છે.
સૌથી
મોટી ચિંતાની વાત એ છે કે, તેની અસર ફેબ્રુઆરી 2027 સુધી જળવાઈ રહેવાની શક્યતા છે.
આ લાંબાગાળાના બદલાવને કારણે વિશ્વભરમાં વરસાદ, તાપમાન અને વિપરિત હવામાનની ઘટનાઓ પર
ઊંડી અસર જોવા મળી શકે છે.
ભારતમાં
અલ નીનોની અસર મુખ્યત્વે ચોમાસાં પર જોવા મળે છે. સામાન્ય રીતે અલ નીનોનાં કારણે ભારતમાં
નબળો વરસાદ નોંધાય છે. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં
પણ દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની
ધારણા વ્યક્ત કરી છે.
ચોમાસું
પૂરું થયા પછી પણ અલ નીનોની ચિંતા હળવી થાય તેમ નથી, કારણ કે, તેની અસર શિયાળાના તાપમાન
પર પણ પડી શકે છે. દિલ્હી સ્થિત રિસર્ચ સંસ્થા ‘ક્લાઇમેટ ટ્રેન્ડ્સ’ના અભ્યાસ મુજબ,
ઉત્તર ભારતમાં શિયાળાનો સમયગાળો ટૂંકો થઈ રહ્યો છે અને ગરમી વહેલી શરૂ થઈ રહી છે.
તાપમાનમાં
આવી રહેલો આ ફેરફાર રવીપાક, ખાસ કરીને ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.
ફેબ્રુઆરી અને માર્ચ મહિના ઘઉંના પાકમાં દાણા બનવા અને તેના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ
માનવામાં આવે છે.
જો
આ સમય દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહે, તો પાકને ‘ટર્મિનલ હીટ સ્ટ્રેસ’નો સામનો
કરવો પડે છે, જેનાથી ઘઉંનાં ઉત્પાદન પર સીધી નકારાત્મક અસર પડે છે. ડબલ્યુએમઓના મહાસચિવ
સેલેસ્ટે સાઉલોએ ચેતવણી આપી છે કે, અલ નીનોની અસર વિશ્વભરના દેશો અને અર્થતંત્રો માટે
મોટો આંચકો સાબિત થઈ શકે છે.
ભારત
જેવા કૃષિપ્રધાન દેશ માટે આ પડકાર વધુ ગંભીર છે, કારણ કે, અહીં ચોમાસું, શિયાળો અને
ખેતી એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જો અલ નીનો વધારે મજબૂત બનશે તો તેની અસર માત્ર
હવામાનના આંકડા સુધી સીમિત નહીં રહેતાં ખેતર, પાણી, ખાદ્ય ઉત્પાદન અને સામાન્ય માણસના
ખિસ્સા સુધી અનુભવાશે.