• બુધવાર, 01 મે, 2024

બીજા તબક્કાના ઉમેદવારોમાંથી 21 ટકાનો ક્રિમિનલ રેકોર્ડ

અઉછનો રિપોર્ટ :  કુલ 1198 ઉમેદવારમાંથી 33 ટકા કરોડપતિ, છ પાસે સંપત્તિના નામે મીંડું

નવી દિલ્હી, તા. 17 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 87 બેઠક માટે ઉમેદવારીની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. આ તબક્કાની બેઠક ઉપર 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. 87 બેઠક માટે કુલ 1198 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેઓને લઈને એડીઆર અને ઈલેક્શન વોચનો રિપોર્ટ સામે આવ્યો છે.

1192 ઉમેદવારો તરફથી ઉમેદવારી પત્ર સાથે દાખલ સોગંદનામાના આધારિત રિપોર્ટ અનુસાર 21 ટકા ઉમેદવાર સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત કુલ ઉમેદવારમાંથી 33 ટકા કરોડપતિ છે જ્યારે છ ઉમેદવારે પોતાની સંપત્તિ ઝીરો હોવાની જાણકારી આપી છે.

એડીઆરના રિપોર્ટ અનુસાર 250 ઉમેદવાર સામે અપરાધિક મામલા છે. જેમાંથી 167 સામે ગંભીર અપરાધિક મામલા છે. ત્રણ ઉમેદવારોએ પોતાની સામે હત્યાનો કેસ ચાલી રહ્યો હોવાની જાણકારી આપી છે. જ્યારે 24 સામે હત્યાના પ્રયાસનો કેસ છે. 25 ઉમેદવાર એવા છે જેની સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધનો કેસ છે અને એક સામે બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે. રિપોર્ટ અનુસાર 21 ઉમેદવાર હેટ સ્પીચના કેસમાં છે.

બીજા તબક્કામાં જે 87 બેઠક ઉપર મતદાન થવાનું છે. તેમાંથી 52 ટકા સીટ રેડ એલર્ટ મત વિસ્તારની કેટેગરીમાં આવે છે. જેનો અર્થ એવો થાય છે કે આવા વિસ્તારમાં ત્રણ અથવા ત્રણથી વધારે ઉમેદવારે પોતાની સામે અપરાધિક કેસ ચાલી રહ્યા હોવાની જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર ભાજપના 69માથી 31, કોંગ્રેસના 68માથી 35 ઉમેદવાર સામે કેસ ચાલી રહ્યા છે.

સીપીઆઈના તમામ પાંચ અને સપાના તમામ ચાર ઉમેદવાર પણ તેમાં સામેલ છે. બીજા તબક્કામાં સામેલ ઉમેદવારમાંથી 33 ટકા કરોડપતિ છે. દરેક ઉમેદવારની સરેરાશ સંપત્તિ 5.17 કરોડે પહોંચે છે. કોંગ્રેસના 68 ઉમેદવારની સરેરાશ સંપત્તિ 39.70 કરોડ, ભાજપના 69 ઉમેદવારની સરેરાશ સંપત્તિ 24.68 કરોડ થાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક