• શનિવાર, 13 જુલાઈ, 2024

નીટ પેપર લીક કેસનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપાયો

રિપોર્ટમાં પરીક્ષાર્થીઓ દ્વારા આપવામાં આવેલા પોસ્ટ ડેટેડ ચેક અને પેપર લીકનું કારસ્તાન કરનાર માફિયાના મોબાઈલની વિગતોનો ઉલ્લેખ

નવી દિલ્હી, તા.22: નીટ પેપર લીક કેસની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. ઇકોનોમિક ઓફેન્સ યુનિટે તપાસનો રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સોંપી દીધો છે. જેમાં નીટ યુજી પ્રશ્નપત્ર બુકલેટને નંબર સાથે રિપોર્ટમાં દર્શાવાઇ છે. આ ઉપરાંત તેમાં પરીક્ષાર્થીઓ દ્વારા આપવામાં આવેલા પોસ્ટ ડેટેડ ચેકનો ઉલ્લેખ છે અને પેપર લીકનું કારસ્તાન કરનાર માફિયાના મોબાઈલની વિગતો પણ છે.

રિપોર્ટ મુજબ નીટનું મૂળ પ્રશ્નપત્ર તેમજ જેમાં જવાબો હતા તે ડોક્યુમેન્ટ એકબીજા સાથે મળતા હોવાનો પણ દાવો થયો છે. રિપોર્ટમાં પેપર લીક કાંડમાં ધરપકડ કરાયેલા ચાર પરીક્ષાર્થીઓ સહિત 13 આરોપીઓના નિવેદનની કોપી પણ આપવામાં આવી છે. આ રિપોર્ટના આધારે હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પગલા લેશે.

બીજી તરફ પેપર લીક કાંડના આરોપી સંજીવ મુખિયાની ધરપકડ કરવા માટે ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસે પટના, નાલંદા, ગયા અને નવાદા સહિતના જિલ્લામાં વોચ ગોઠવી છે. આ ઉપરાંત નગરનૌસાના શાહપુર સ્થિત સંજીવના મકાનમાં પણ પોલીસે તપાસ કરી છે. પેપર લીકનું કારસ્તાન સંજીવ લાંબા સમયથી કરતો હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2010થી અત્યાર સુધીમાં પેપર લીકના ઘણા કિસ્સામાં તેનું નામ ઉછળ્યું હતું. સંજીવ ભૂતકાળમાં બિહારના સૌથી મોટા શિક્ષણ માફિયા રણજીત ડોન સાથે કામ કરતો હતો અને ત્યાર બાદ પોતાની ગેંગો ઊભી કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક