• બુધવાર, 13 મે, 2026

લીંબુના ભાવ દાંત ખાટા કરી નાખશે : કિલોના રૂા.300


ઉનાળામાં લીંબુ પાણી, સરબત, રસ સહિતમાં લીંબુનો વપરાશ વધતા અને આવકમાં ઘટાડો નોંધાતા ભાવ ઉંચકાયા

રાજકોટ,તા.3 : (ફૂલછાબ ન્યૂઝ) કાળઝાળ ગરમી વચ્ચે સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડયો છે. શાક માર્કેટમાં વિટામિન-સી ના મુખ્ય સ્ત્રોત ગણાતા લીંબુના ભાવ ખાટા થવા લાગતા લોકોના ખિસ્સા દાઝવા લાગ્યા છે. ઉનાળાના આકરા તાપથી રાહત મેળવવા લીંબુ પાણી, સરબત અને શેરડીના રસ સહિતમાં લીંબુનો વપરાશ વધતા અને આવકમાં ઘટાડો નોંધાતા ભાવમાં ઉછાળો નોંધાયો છે. છૂટક બજારમાં લીંબુનો એક કિલોનો ભાવ રૂ. 250-300 ઉપર પહોંચી જતા મધ્યમ વર્ગ ચિંતિત બન્યો છે.

ચાલુ વર્ષે માર્ચ મહિનો શરૂ થતા તાપમાનનો પારો ઉંચકાતા 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો અને છેલ્લા એક સપ્તાહથી તો 44 ડિગ્રી આસપાસ આકરી ગરમી પડી રહી હોવાથી લોકો અકળાવા લાગ્યા છે. આકરી ગરમીથી રક્ષણ મેળવવા વિટામીન-સીનો ભરપૂર ત્રોત ગણાતા લીંબુનો વપરાશ વધી ગયો છે. લોકો ઠંડાપીણા, લીંબુ પાણી, લીંબુ સરબત અને રસમાં લીંબુ વધુ ઉપયોગ કરે છે. આમ  લીંબુની માગમાં નોંધપાત્ર વધારો થયો છે.

બીજી તરફ ગરમીને લીધે યાર્ડમાં લીંબુની આવક મર્યાદિત થઈ ગઈ છે. જેથી માંગમાં ઉછાળો અને ઓછી આવકને લીધે માગ અને પૂરવઠાનું સંતુલન ખોરવાતા ભાવ આસમાને પહોંચ્યા છે. વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં લીંબુ હજુ પણ મોંઘા થઈ શકે છે.

શાકભાજીના વેપારીઓના જણાવ્યા અનુસાર, માર્કેટમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો હવે લીંબુનો ભાવ સાંભળીને ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે. અગાઉ જે ગ્રાહકો કિલો-બે કિલો લીંબુ ખરીદતા હતા તે હવે માત્ર 4-5 નંગ લીંબુની જરૂરીયાત મુજબ ખરીદી કરતા થયા છે.

પખવાડિયા પૂર્વે માર્કેટ યાર્ડમાં લીંબુનો ભાવ પ્રતિ મણ રૂ.  1711-3402 હતો. જે વધીને રૂ. 2149-4268 ઉપર પહોંચી ગયો છે. જ્યારે બે દિવસ પહેલા તો ભાવ રૂ.2801-5590 સુધી ઉંચકાઈ ગયો હતો. જેની અસરથી સ્થાનિક બજારમાં છૂટક લીંબુનો ભાવ પ્રતિકિલો રૂ. 250-300 સુધી પહોંચીજતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક