કાળભૈરવ દાદાના આશ્રમથી જેડી બાપુ (અઘોરી) સહિતના કાર્યકર્તાઓ કાળા રંગના પહેરવેશમાં જોડાયા
શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક પાછળ, કલ્યાણનગર વિસ્તારમાં સામાન્ય ‘િડસ્ટર્બ થાય છે’ જેવી નાની વાતે માણસે ક્રૂર બની નિર્દોષ શ્વાન પર 28 લોખંડના પાઈપના ઘા ઝીંકીને તેને અર્ધમૃત બનાવવામાં આવ્યો, અને તેને બચાવવા દોડી આવેલી મહિલાને પણ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. નિર્દોષ શ્વાન પર થયેલા ક્રૂર અત્યાચાર વિરુદ્ધ અને પશુ-પક્ષીઓ પ્રત્યે સમાજમાં કરુણા અને પ્રેમની ભાવના જાગૃત થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે પોઝ હેવન ગ્રૂપના સભ્યો, જયશ્રી મહાકાલભૈરવ ભક્તો અને પ્રાણીપ્રેમીઓની રેલી આજે રવિવારે સાંજે 5:30થી 7 દરમિયાન શહેરના રેસકર્સ ખાતે યોજાઈ હતી.
આ પદયાત્રા રેલીનો મુખ્ય હેતુ મૂંગા જીવો પર થતા અત્યાચાર અટકાવવા અને લોકોમાં જીવદયા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. રેલીમાં 300 જેટલા લોકો સફેદ રંગના પહેરવેશમાં જોડાયા હતા અને કાળભૈરવ દાદાના આશ્રમથી જેડી બાપુ (અઘોરી) સહિતના કાર્યકર્તાઓ કાળા રંગના પહેરવેશમાં જોડાયા હતા. આ રેલીમાં પ્રાણીઓ પર હિંસા=માનવતા પર કલંક, પ્રાણીઓ પર અત્યાચાર બંધ કરો, ડોગ હેરેસમેન્ટ બંધ કરો, આ દુનિયા માત્ર માણસોની નથી પણ મૂંગા પ્રાણીઓની પણ છે, પ્રાણીઓને મારવાને બદલે પ્રેમ કરો, આવારા નહીં હમારા હૈ જેવા બેનર સાથે પશુ-પક્ષી પ્રત્યે સંવેદના રાખવા અપીલ કરવામાં આવી હતી. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન દ્વારા આ રેલી માટે ખાસ શરતો સાથે પરવાનગી આપવામાં આવી હતી.
જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, રેલી દરમિયાન ટ્રાફિકને અડચણ ન થાય, રસ્તાની ડાબી બાજુએ ચાલી, કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર ન કરી અને નિયત સમયમર્યાદા રેલી પૂર્ણ કરવા જેવી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું હતુ.