• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

વાનખેડે સ્ટેડિયમની લાલ માટીની પીચ સ્પિનરોને વધુ મદદ કરશે સ્પોર્ટિંગ ટ્રેક પર બેટર્સ પણ ફાયદામાં : 2021માં અહીં કિવિઝને 372 રને હાર મળી હતી

શુક્રવારથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઇમાં ત્રીજો અને આખરી ટેસ્ટ

મુંબઇ, તા.29: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્તમાન ટેસ્ટ શૃંખલાનો ત્રીજો અને આખરી ટેસ્ટ મેચ તા. 1 નવેમ્બર-શુક્રવારથી મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાશે. શ્રેણીમાં કિવિઝ ટીમ ઇતિહાસ સર્જી 2-0ની અતૂટ સરસાઇ ધરાવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલની રેસમાં બની રહેવા માટે ટીમ ઇન્ડિયા માટે ત્રીજો અને આખરી ટેસ્ટ જીતવો ઘણો મહત્ત્વનો છે. મુંબઇ ટેસ્ટની પ્રોત્સાહક જીતથી રોહિત શર્માની ટીમ ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલ પર ટોચ પર ટકી રહેશે. આ મેચ પાછી ભારત પાસે ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચ રમવાનો મોકો રહેશે. જેનું પરિણામ ડબ્લ્યૂટીસી ફાઇનલનું ચિત્ર લગભગ સાફ કરી દેશે.

મુંબઇના વાનખેડે સ્ટેડિયમની પિચ રેંક ટર્નર હશે તેવા રિપોર્ટ છે. આથી સ્પિનરોને વધુ મદદ મળશે. જો કે મેચના પ્રથમ દિવસે બેટધરો માટે અનુકુળ હશે. બેંગ્લુરુમાં ઝડપી બોલરોને મદદ મળી હતી. જ્યારે પૂણેની પિચ પર સ્પિનરોએ ધમાલ મચાવી હતી. જ્યારે મુંબઇમાં થોડો અલગ માહોલ હશે. અહીંની લાલ માટીની પિચ પર સ્પિનરોની સાથોસાથ બેટધરોને પણ ફાયદો મળી શકે છે.

બીસીસીઆઇના પીચ ક્યૂરેટર આશિષ ભૌમિકે એલિટ પેનલના ક્યૂરેટર તપોશ ચેટર્જી અને વાનખેડે સ્ટેડિયમના ક્યૂરેટર રમેશ મામુનકર સાથે મળીને આજે પિચની સમીક્ષા કરી હતી. બાદમાં તેમણે એવો સંકેત આપ્યો હતો કે આ એક સ્પોર્ટિંગ ટ્રેક હશે. હાલ પિચ પર થોડું ઘાસ છે. જે મેચ વખતે લગભગ જોવા મળશે નહીં. પહેલા દિવસે અહીં બેટિંગ માટે સારી રહેશે. બીજા દિવસથી સ્પિનરોને ટર્ન મળવા લાગશે.

છેલ્લે વાનખેડે સ્ટેડિયમ પર બન્ને ટીમ વચ્ચે ટેસ્ટ ટક્કર ડિસેમ્બર-2021માં થઇ હતી ત્યારે ભારતનો 372 રને સરળ વિજય થયો હતો. એ મેચમાં પણ સ્પિનરોનો દબદબો રહ્યો હતો. ભારતે પહેલી ઇનિંગમાં 3પ2 રન કર્યાં હતા. જવાબમાં કિવિઝ ટીમ ફકત 62 રનમાં ઢેર થઇ હતી. બીજી ઇનિંગ ભારતે 7 વિકેટે 276 રને ડિકલેર કરી હતી. બીજા દાવમાં ન્યુઝીલેન્ડના 167 રન થયા હતા. આ મેચ દરમિયાન ન્યુઝીલેન્ડના સ્પિનર એઝાઝ પટેલે ભારતની પહેલી ઇનિંગ દરમિયાન તમામ 10 વિકેટ લીધી હતી અને આવો રેકોર્ડ કરનારો વિશ્વનો ફક્ત ત્રીજો બોલર બન્યો હતો. આ મેચમાં અશ્વિને કુલ 8 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક