સંસદ અચોક્કસ મુદ્દત માટે સ્થગિત: રાજયસભામાં 40 ટકા, લોકસભામાં 57 ટકા કામ
આનંદ
કે. વ્યાસ
નવી
દિલ્હી, તા.20 : સંસદને શુક્રવારે અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવામાં આવી હતી જે સાથે
શિયાળુ સત્રની પુર્ણાહૂતિ થઈ હતી. આ સત્ર મોટે ભાગે હંગામાની ભેટ ચઢી ગયું છે. શિયાળુ
સત્રની શરુઆત જ હંગામેદાર થઈ હતી. પહેલા અદાણી મુદ્દે પછી મણિપુર, ખેડૂતો, જયોર્જ સોરોસ
અને છેલ્લે બાબા સાહેબ આંબેડકર મુદ્દે લોકસભા અને રાજયસભામાં હંગામો યથાવત રહયો જેની
અસર કામકાજ પર થઈ હતી. આ સત્રમાં રાજયસભામાં માત્ર 40.03 ટકા અને લોકસભામાં માત્ર પ7.87
ટકા કામ થયું હતુ.
સંસદનાં
બંને ગૃહો આજે મોકૂફ રાખવામાં આવ્યાં હતાં. આજે સવારે જ્યારે લોકસભાની બેઠક મળી ત્યારે
વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ડૉ.બી આર આંબેડકર અંગે આપેલા નિવેદન
ઉપર સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામા વચ્ચે અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને નિયમોનું કડક
પાલન કરવા અને સંસદના કોઇપણ ગેટ પર વિરોધ ન કરવાની વિનંતી કરી. જો નિયમનું ઉલ્લંઘન
થાય તો કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસદની ગરિમા જાળવવી
તમામ સંસદ સભ્યોની સામૂહિક જવાબદારી છે. વિવાદ, ધમાલ અને હંગામા વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ
કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલને બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ
કાયદા (સુધારા) બિલ 2024ને સંસદના 27 સભ્યોની બનેલી સંયુકત સમિતિને સોંપવાનો ઠરાવ પસાર
કરવા કહ્યું હતું. આ સમિતિમાં લોકસભાના
27 અને રાજ્યસભાના 12 સાંસદો હશે. અવાજ મત દ્વારા બે બિલ સંસદની સંયુકત સમિતિને મોકલાયા
હતા. બાદમાં સ્પીકરે ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી. ગૃહમાં ભારે હંગામા બાદ રાજ્યસભાની
કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી. અધ્યક્ષ જગદીપ ધનખરે સંસદસભ્યોને
જાહેર વિશ્વાસ અને અપેક્ષાનું સન્માન કરવાની વિનંતી કરી હતી. તેમણે સભ્યોને જવાબદારી
અને આત્મનિરીક્ષણ કરવાનું આવ્હાન કર્યુ હતું. ધનખરે સંસદીય કામકાજ અંગે ચિંતા વ્યકત
કરતાં જણાવ્યું હતું કે વિપક્ષો જાહેર વિશ્વાસ અને અપેક્ષાની ટિખ્ખળ કરી રહ્યા છે.
જ્યારે ગૃહ બપોર બાદ ફરી શરૂ થયું ત્યારે કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ દ્વારા વન
નેશન વન ઇલેકશન બિલ અંગે સંસદની સંયુકત સમિતિમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યો
નામાંકિત કરવા માટે પ્રસ્તાવ પસાર કરાયો હતો.
રાજ્યસભાના
અધ્યક્ષ જગદીપ ધનખરે ખેદ વ્યકત કર્યો હતો કે આ સત્ર દરમિયાન સતત વિક્ષેપોને કારણે માત્ર
40 ટકાની આસપાસ કાર્યવાહી થઇ હતી. તેમણે સભ્યોને લોકતાંત્રિક મૂલ્યોનું અધ્યયન કરવાની
હાકલ કરી હતી. ગૃહમાંની વર્તણૂક અને વ્યવહારોની જનતા દ્વારા ટીકા થાય છે અને લોકોનો
ભરોસો ઓછો થતો જાય છે. નિયમ 267 હેઠળ અયોગ્ય ગતિવિધિઓ ખેદજનક છે અને ગૃહમાં ગૌરવ, વિવેક
બુદ્ધિ સાથે કામ થવું જોઇએ. અર્થપૂર્ણ ચર્ચાઓ થવી જોઇએ.
વિપક્ષના
સાંસદોએ શુક્રવારે અહીં વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું જેમાં કથિત રીતે આંબેડકરનું
અપમાન કરવા બદલ ગૃહપ્રધાન અમિત શાહની માફી અને રાજીનામાની માગ કરી હતી. વિપક્ષી સભ્યોએ
વિજય ચોકથી સંસદ સુધી વિરોધ રૅલી કાઢી હતી. જેમાં રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન
ખડગે, કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય ઇન્ડિ ગઠબંધનના સભ્યો હાજર રહ્યા
હતા.
સંસદની
બહાર પત્રકારો સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે દેશમાં ડૉ.આંબેડકરનું
અપમાન સહન કરાશે નહીં. તેમને આરોપ મૂકયો હતો કે આ સરકાર અદાણી મુદ્દે ચર્ચા કરતાં ડરે
છે. રાહુલ સામે એફઆઇઆર અને અનેક કેસો ભાજપે કર્યા છે જે તેમની નિરાશાનો સ્તર દર્શાવે
છે. જુઠ્ઠાણું ચલાવીને રાહુલ વિરુદ્ધ કેસ કર્યા છે તે આખો દેશ જાણે છે, એમ વધુમાં પ્રિયંકાએ
જણાવ્યું હતું.