• સોમવાર, 30 ડિસેમ્બર, 2024

વેરાવળમાં નિવૃત્ત રેલ કર્મચારી સાથે રૂ.17.80 લાખની ઠગાઈ કરનાર પડોશી બંધુ ઝડપાયા

બન્ને શખસે મોજશોખમાં ખર્ચી નાખ્યા

વેરાવળ, તા.18 : વેરાવળની હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત રેલ કર્મચારી વિજયભાઈ મોકરિયા નામના વૃદ્ધને નાણાંની જરૂરિયાત હોય તેનાં માતા કાંતાબેનને લઈ બેન્કે ગયા હતા અને ખાતામાંથી એક લાખની રકમ ઉપાડવા માટે સ્લીપ ભરીને આપતા બેન્કના કેશિયરે તેના ખાતામાં માત્ર રૂ.પ1,409ની રકમ હોવાનું જણાવ્યું હતું અને વિજયભાઈએ રૂ.પ0 હજાર ઉપાડયા હતા. બાદમાં વિજયભાઈએ તેની માતા કાંતાબેનના બેન્ક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું અને જેમાં રૂ.17.80 લાખની રકમ ઉપાડી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

આ મામલે વિજયભાઈએ તેની માતા કાંતાબેનની પૂછતાછ કરતા પડોશમાં રહેતા સચિન રસિક પટેલ અને કૃણાલ વાઘેલા નામના બન્ને શખસો તેની પાસેથી  અવાર નવાર ફોન કોલ કરવા માટે લઈ જતા હોવાનું જણાવ્યું હતું અને કાંતાબેનની જાણ બહાર બન્ને શખસોએ ફોનમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઇલ મારફત માતબર રકમ અલગ અલગ બેન્ક ખાતામાં જમા કરાવી હતી અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે વિજયભાઈની ફરિયાદ પરથી બન્ને શખસ સામે ગુનો નોંધી સચિન રસિક પટેલ અને કુણાલ વાઘેલા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી અને બન્ને શખસની પૂછતાછ કરતા મોજશોખ પાછળ નાણાં ઉડાવી દીધાની કબૂલાત આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક