• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

રાજકોટમાં GST કૌભાંડમાં અમદાવાદના પત્રકારની ધરપકડ અગાઉ 1ર શખસની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા’તા

રાજકોટ, તા.ર0 : ભગવતીપરા વિસ્તારમાં બોગસ પેઢી ઉભી કરી જીએસટી કૌભાંડ આચર્યાનો પર્દાફાશ થયા બાદ જીએસટી વિભાગના અધિકારીએ 1પ પેઢીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બાંચે ગુનો નોંધી 1ર શખસોની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. દરમિયાન આ કૌભાંડમાં મુખ્ય સુત્રધાર અમદાવાદનો પત્રકાર હોવાનું ખુલતા ક્રાઈમ બ્રાંચે અમદાવાદ જેલમા રહેલા પત્રકારનો કબજો સંભાળી ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ભગવતીપરા વિસ્તારમાં આવેલી પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરી જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું અને પરમાર એન્ટરપ્રાઇઝ ઉપરાંત અન્ય પેઢીઓ પણ પ્રકાશમાં આવતા કુલ 1પ પેઢીઓ વિરુધ્ધ જીએસટી વિભાગના સુપ્રિ.જયપ્રકાશસિંઘ રામચંદ્રસિઘએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચે લીબડીના કારાણી અમન નાસીર, ભગવતીપરાના અયોધ્યા પાર્કના અમન રફીક બોનહરીશ, સૈયદ ઉર્ફે કાળુ મજીદ સારી, વિશાલ પ્રવિણ પરમાર અને પાર્થ સતીષ પરમાર તેમજ મોટીખાવડીના લખુભા નાનભા જાડેજા, શૈલેષ ઘનશ્યામ પટેલ, પાર્થ મનોજ રોજીવાડીયા, ભેરુસિહ શંકરસિહ રાજપુત, મનીષ બળવંત જોબનપુત્રા, અલ્પેશ ગોબર હીરપરા અને ફીરોજ અબ્દુલ જુણેજાની ધરપકડ કરી હતી અને રિમાન્ડ પર લઈ પુછતાછ કરતા ભાવનગર-અમદાવાદના શખસોના નામ ખુલ્યા હતા અને સુત્રધાર તરીકે અમદાવાદના પત્રકાર મહેશ લાંગાનુ નામ ખુલ્યું હતં. દરમિયાન અમદાવાદના જીએસટી કૌભાંડમાં હાલમાં જેલમાં રહેલા પત્રકાર મહેશ લાંગાનો ક્રાઈમ બ્રાંચે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરવાની કાર્યવાહી કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં અનેક નાના-મોટા માથાઓને રેલો આવે તેવા નિર્દેશો સાંપડી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક