• સોમવાર, 30 ડિસેમ્બર, 2024

જયપુરમાં ટ્રકની ટક્કરથી ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ : 11 ભુંજાયા

ટ્રકે ટક્કર મારતા ટેન્કર ફાટયું, આગની લપેટો 200 ફુટ ઉપર સુધી ઉઠી : જયપુર-અજમેર હાઈવે ઉપર સર્જાયા ભયાનક દૃશ્યો

 

જયપુર, તા. 20 : રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે સવારે જયપુર-અજમેર હાઈવે ઉપર એક ભીષણ અકસ્માત થયો હતો. જેમાં એક એક કેમિકલ ભરેલા ટ્રક સાથે અન્ય એલપીજી પહેલા ટેંકરની ટક્કર થતા વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેણે જોતજોતામાં 40 વાહનોને ચપેટમાં લઈ લીધા હતા અને અંદાજીત 200 મીટરથી પણ વધુ વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો. ગેસ ટેંકરને એક ટ્રકે ટક્કર મારી હતી. આ બનાવમાં 11 લોકો જીવતા ભુંજાયા હતા અને ઘણાને ઈજા પહોંચતા તાકીદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઓછામાં ઓછી 20 ફાયરબ્રિગેડની ગાડીઓએ હાઈવે ઉપર ફેલાયેલી આગને કાબૂમાં લેવાની કવાયત શરૂ કરી દીધી હતી. ટેંકરની એકદમ પાછળ રહેલી સ્લીપર બસ પણ પૂરી સળગી ઉઠી હતી. આ બસમાં 34 લોકો સવાર હતા.

જયપુરના ડીએમ જીતેન્દ્ર સોનીએ કહ્યું હતું કે ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે અને અંદાજીત 40 વાહન ચપેટમાં આવ્યા હતા. ઘટનામાં 24-25 લોકોને ઈજા પહોંચતા જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના સીએમ ભજનલાલ  શર્મા પણ પીડિતોને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે જયપુર અજમેર હાઈવે ઉપર ગેસ ટેંકરમાં આગ લાગવાની ઘટનામાં નાગરિકોની જાનહાનીના અહેવાલ દુ:ખદ છે.

મળતી વિગત પ્રમાણે કેમિકલ ભરેલા ટેંકરની ટક્કર એક અન્ય ટ્રક સાથે થઈ હતી. જેના પરિણામે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે વ્યસ્ત હાઈવે ઉપર અન્ય વાહનોમાં પણ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો  તેજ હતો કે એક બસ, ઘણા ટ્રક, કાર અને બાઈક સહિતના વાહનો સળગી ઉઠયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક