• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

સંસદના પ્રવેશ દ્વારે ધરણાં-પ્રદર્શનની મનાઈ

ભાજપ-કોંગ્રેસના સાંસદો વચ્ચે અથડામણ બાદ સ્પીકરનો સખત નિર્દેશ

નવી દિલ્હી, તા.ર0 : સંસદ ભવનના પરિસરમાં તાજેતરમાં ભાજપ-કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કી-અથડામણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ હવેથી સંસદના કોઈ પણ પ્રવેશ દ્વાર પાસે ધરણા-પ્રદર્શનની મનાઈ ફરમાવી સાંસદો માટે સખત નિર્દેશ જારી કર્યો છે.

સ્પીકર બિરલાએ કહ્યું કે હવેથી કોઈ રાજકીય દળ, સાંસદ અથવા સાંસદોનું જૂથ સંસદ ભવનના કોઈ પ્રવેશ દ્વાર પાસે કોઈ પ્રકારનું વિરોધ પ્રદર્શન કે ધરણાં કરી શકશે નહીં. ગૃહમંત્રી શાહની રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણીના વિરોધમાં વિપક્ષના સદસ્યોએ ગુરુવારે વિરોધ પ્રદર્શન યોજ્યું તો ભાજપના સાંસદોએ પણ સમાંતર વિરોધ કર્યો હતો. દરમિયાન સંસદના મકર દ્વાર પાસે બન્ને દળના સાંસદો વચ્ચે સામસામી નારેબાજી સાથે ધક્કામુક્કી થઈ હતી. આ એજ દ્વાર છે જ્યાંથી સાંસદો ગૃહમાં પ્રવેશ મેળવે છે.

ભાજપના બે સાંસદ ઈજા સાથે હોસ્પિટલમાં દાખલ થયા અને બન્ને દળે એકબીજા પર આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે લોકસભા સ્પીકરે ફરી આવુ ન થાય તે માટે સંસદ ભવનના કોઈ પણ પ્રવેશ દ્વાર ખાતે વિરોધ-પ્રદર્શન કે ધરણાની મનાઈ ફરમાવી છે.

----------------

સંસદમાં ધક્કામુક્કીની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ

નવી દિલ્હી, તા.ર0 : સંસદ પરિસરમાં ગુરુવારે સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે થયેલી કથિત અથડામણની તપાસ દિલ્હી ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર એફઆઈઆર વચ્ચે ભાજપ અને કોંગ્રેસે સામસામી ફરિયાદ નોંધાવી છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ વિશે ચર્ચામાં બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણી બાદ ભાજપ-કોંગ્રેસના સાંસદો વચ્ચે સંસદ પરિસરમાં ધક્કામુક્કી થઈ હતી જેમાં ભાજપના બે સાંસદને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

---------------

વિપક્ષના હંગામાને કારણે સંસદીય કામકાજ ઉપર અસર : રિજ્જૂ

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા.20 : કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજ્જૂએ શુક્રવારે જણાવ્યું હતું કે વિપક્ષના વિક્ષેપોના કારણે સંસદના શિયાળુ સત્રના કામકાજમાં ઘટાડો થયો હતો અને કામકાજ ઉપર ભારે અસર થઇ હતી. આગામી બજેટ સત્રમાં સમાન વિક્ષેપો ટાળવાની તેમણે વિનંતી કરી હતી.

પત્રકાર પરિષદને સંબોધન દરમિયાન કિરેન રિજ્જૂએ જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા સતત ખલેલને કારણે સંસદના કામકાજ ઉપર અસર થઇ છે. અમે સંસદના કામકાજને ચલાવવાનો ઘણો પ્રયાસ કર્યો છે. હું અપેક્ષા રાખીશ અને વિપક્ષને મારી વિનંતી છે કે સંસદના આગામી સત્રમાં આ રીતનો હંગામો ન થાય તેની તકેદારી રાખવામાં આવે. રિજ્જૂએ જણાવ્યું હતું કે શિયાળુ સત્રમાં લોકસભામાં 54.5 ટકા અને રાજ્યસભામાં માત્ર 40 ટકા કામ થયું છે. અમે તેનાથી સંતુષ્ટ નથી કારણકે લોકોએ અમને કામ કરવા સંસદ સભ્યો બનાવ્યા છે. પરંતુ અમે સંસદમાં એવી પ્રવૃત્તિઓ જોઇ કે જેનાથી કામકાજ પ્રભાવિત થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક