• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

પાકિસ્તાન કરતા ય બાંગ્લાદેશ વધુ ઘાતકી પુરવાર

ચાલુ વર્ષે બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિતની લઘુમતી ઉપર 2200 હુમલા : પાકિસ્તાનમાં 112 ઘટના

 

નવી દિલ્હી, તા.20: પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાં પછી બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા વધી છે પરંતુ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ આ હકીકતનો સ્વીકાર કરવા તૈયાર નથી. હવે ભારત સરકારે હિંસા બારામાં બાંગ્લાદેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. સંસદમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે જણાવ્યું હતુંકહ્યું કે આ વર્ષે 8 ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓ પર 2,200 હુમલા થયા છે, જ્યારે આ વર્ષે ઓક્ટોબર સુધી પાકિસ્તાનમાં હિંદુઓ પર હુમલાની 112 ઘટનાઓ નોંધાઈ છે. એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશ પાકિસ્તાન કરતાં હિંદુઓ પર વધુ ક્રૂરતા બતાવી રહ્યું છે.

સંસદમાં આંકડા જાહેર કરતાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે કહ્યું કે, બાંગ્લાદેશમાં વર્ષ 2022માં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર 47 હુમલા થયા હતા, જ્યારે પાકિસ્તાનમાં આ સંખ્યા 241 હતી. આ પહેલા 2021માં બાંગ્લાદેશમાં 302 અને પાકિસ્તાનમાં 103 કેસ નોંધાયા હતા. તે જ સમયે, આ વર્ષે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસામાં જબરદસ્ત વધારો થયો છે. 8 ડિસેમ્બર, 2024 સુધીમાં બાંગ્લાદેશમાં હિંસાના 2200 કેસ નોંધાયા છે અને પાકિસ્તાનમાં આ સંખ્યા 112 છે.

વિદેશ રાજ્ય મંત્રીએ જણાવ્યું છે કે સરકારે હિંસાની આ ઘટનાઓને ગંભીરતાથી લીધી છે અને બાંગ્લાદેશ સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. સરકાર અપેક્ષા રાખે છે કે બાંગ્લાદેશ સરકાર હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા માટે મજબૂત અને જરૂરી પગલાં લેશે. વિદેશ સચિવની બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન પણ આ જ સંદેશ આપવામાં આવ્યો છે. ઢાકામાં ભારતીય દૂતાવાસ પણ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

 

કાશ્મીરમાં દર પાંચમા દિવસે એક આતંકીનો ખાત્મો

 

સુરક્ષાદળોએ ચાલુ વર્ષે કુલ 64 આતંકીઓને ઠાર કર્યા: મરાયેલા આતંકીઓમાંથી 42 પાકિસ્તાની હતા

નવી દિલ્હી,તા.20: ચાલુ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ આતંકવાદ સામે નોંધપાત્ર સફળતાઓ હાંસલ કરી છે. કુલ 64 આતંકવાદીઓનો સફાયો કરી નાખવામાં આવ્યો છે. એટલે કે, ભારતીય સુરક્ષા દળોએ દર પાંચમા દિવસે એક આતંકવાદીનો ખાત્મો કર્યો છે. અત્યાર સુધીમાં માર્યા ગયેલા 64માંથી 42 વિદેશી (પાકિસ્તાની) આતંકવાદીઓ હતા. આમાં નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા 17 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે અંતરિયાળ વિસ્તારમાં અથડામણ દરમિયાન 26 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોની આ કાર્યવાહી આતંકવાદીઓના વધતા ખતરા પર નિયંત્રણ સ્થાપિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે માર્યા ગયેલા 42 બિન-સ્થાનિક આતંકવાદીઓમાંથી

મોટાભાગના જમ્મુ ક્ષેત્રના પાંચ જિલ્લાઓ-જમ્મુ, ઉધમપુર, કઠુઆ, ડોડા અને રાજૌરીમાં માર્યા ગયા હતા. ખીણમાં બારામુલ્લા, બાંદીપોરા, કુપવાડા અને કુલગામ જિલ્લામાં વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

જમ્મુ અને કાશ્મીરના 9 જિલ્લાઓમાં જ્યાં વિદેશી આતંકવાદીઓની હાજરી જોવા મળી હતી, જ્યાં 9 એન્કાઉન્ટરમાં 14 બિન-સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા છે. બારામુલ્લા જિલ્લામાં, મોટાભાગના વિદેશી આતંકવાદીઓ નિયંત્રણ રેખા પર ઉરી સેક્ટરના સબૂરા નાલા વિસ્તાર, મુખ્ય ઉરી સેક્ટર, કમલકોટ ઉરીમાં માર્યા ગયા હતા, પરંતુ કેટલાક બારામુલ્લામાં ચક ટપ્પર ક્રીરીના અંતરિયાળ વિસ્તારમાં અને સોપોરના નૌપોરા, હદીપોરા, સગીપોરા, વોટરગામ અને રાજપોરા વિસ્તારોમાં માર્યા ગયા હતા.

જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં કુપવાડાના સરહદી જિલ્લામાં કેરન, તંગધાર, માછિલ અને લોલાબ સહિત વિવિધ સેક્ટરમાં 12 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ ક્ષેત્રમાં, દોડાના બજાદ અને અસર જંગલ વિસ્તારોમાં બે એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે હીરાનગરના સૈદા સુખલ ગામ અને કઠુઆના કોગામંડલી ગામમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં ખાંદ્રા ટોપ ખાતે આ વર્ષે એકમાત્ર અથડામણમાં બે વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા.બાંદીપોરાના કેટસન જંગલ વિસ્તાર, જમ્મુના અખનૂર અને કુલગામના પાયેન રેડવાની વિસ્તારમાં એક બિન-સ્થાનિક આતંકવાદી માર્યો ગયો હતો. તેનાથી વિપરીત, રાજૌરીના નૌશેરા સેક્ટરમાં એક જ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક