• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

વર્ષના પહેલા જ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ

ICC ટેસ્ટ રેન્કિંગમાં 907 પોઈન્ટ સાથે નંબર વન : સૌથી વધુ પોઈન્ટ મેળવનારો ભારતીય બોલર બન્યો

નવી દિલ્હી, તા. 1 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ બુધવારે પહેલી જાન્યુઆરીના રોજ નવી રેન્કિંગ જારી કરી છે. જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ધમાલ મચાવતા વર્ષના  પહેલા જ દિવસે ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ આઈસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર વન ઉપર છે. આ ઉપરાંત તેના રેટિંગ પોઈન્ટ 907 થયા છે.

આ એક ઐતિહાસિક રેકોર્ડ પણ છે. બુમરાહ આટલા રેટિંગ પોઈન્ટ મેળવનારો પહેલો ભારતીય બોલર બન્યો છે. તેણે પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા અશ્વિને ડિસેમ્બર 2016માં સૌથી વધારે 907 રેટિંગ પોઈન્ટ મેળવ્યા હતા. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું છે. જેનો ફાયદો બુમરાહને આઈસીસી રેન્કિંગમાં મળ્યો છે.

સાથે જ બુમરાહ 907 રેટિંગ અંક સાથે સર્વકાલિક યાદીમાં ઈંગ્લેન્ડના સ્પિનર ડેરેક અંડરવુડ સાથે સંયુક્ત 17મા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડનો ઝડપી બોલર સિડની બાર્ન્સ 932 અંક અને જોર્જ લોહમેન 931 અંક સાથે શિર્ષ ઉપર છે. જ્યારે ઈમરાન ખાન 922 અંક સાથે ત્રીજા અને મુથૈયા મુરલીધરન 920 અંક સાથે ચોથા ક્રમાંકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ વર્તમાન સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં બન્ને ટીમ વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. જેનો ચોથો મુકાબલો મેલબર્નમાં થયો હતો. આ ચોથો મેચ ઓસ્ટ્રેલિયાએ 184 રને જીત્યો હતો. હવે અંતિમ ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.

શ્રેણીમાં અત્યારસુધીમાં બુમરાહ ટોપ વિકેટ ટેકર છે. જેણે ચાર ટેસ્ટની આઠ ઈનિંગમાં 30 વિકેટ લીધી છે. તેની સરેરાશ પણ 12.83ની છે. બીજા નંબરે પેટ કમિંસ છે. જેણે 20 વિકેટ લીધી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક