• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

ICC રેન્કિંગમાં કોહલી-રોહિતનો દબદબો ખતમ

ખરાબ ફોર્મના કારણે રેન્કિંગ લિસ્ટમાં થયું ભારે નુકસાન : કોહલી 24મા અને રોહિત 40મા ક્રમાંકે

નવી દિલ્હી, તા. 1 : ભારતીય ટીમના અનુભવી બેટસમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઈસીસી દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા રેન્કિંગમાં ભારે નુકસાન ઉઠાવવું પડયું છે. બન્ને દિગ્ગજ ખેલાડી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે અને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. રોહિતની ટીમમાં જગ્યાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મેલબર્નમાં રમાયેલા ટેસ્ટમાં 36 અને પાંચ રન કર્યા હતા. કોહલી હવે રેન્કિંગમાં 633 પોઈન્ટ સાથે 24મા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ છેલ્લી 19 ઈનિંગમાં 417 રન કર્યા છે. આ દરમિયાન એક સદી અને એક અર્ધસદી કરી છે.

બીજી તરફ રોહિત શર્મા યાદીમાં 40મા સ્થાને પહોંચ્યો છે. રોહિતના નામે 560 પોઈન્ટ છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લા ત્રણ મેચમાં માત્ર 31 રન કર્યા છે. જ્યારે યશસ્વી જયસ્વાલ ચોથા સ્થાને પહોંચ્યો છે. તેણે ચોથી મેચમાં સતત અર્ધસદી કરી હતી. તેણે 82 અને 84 રનની ઈનિંગ રમી હતી.

સ્ટીવ સ્મિથે પણ મેલબર્નમાં શ્રેણીની બીજી સદી કરીને ત્રણ અંકની છલાંગ લગાડી છે. સ્મિથ વર્તમાન સમયે 763 રેટિંગ સાથે સાતમા ક્રમાંકે છે. જ્યારે ઈંગ્લેન્ડનો સ્ટાર બેટસમેન જો રુટ 895 રેટિંગ પોઈન્ટ સાથે શિર્ષ સ્થાને છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક