મુંબઇ,
તા.14: ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતીય ટીમમાં અંતિમ સમયે બહાર થઇ જનાર યુવા ડાબોડી ઓપનર
યશસ્વી જયસ્વાલ હવે રણજી ટ્રોફીના સેમિ ફાઇનલમાં મુંબઇ તરફથી રમશે. વિદર્ભ સામે નાગપુરમાં
17 ફેબ્રુઆરીથી રમાનાર રણજી ટ્રોફી સેમિ ફાઇનલની મુંબઇ ટીમમાં યશસ્વી જયસ્વાલનો સમાવેશ
કરાયો છે. મુંબઇ ટીમમાં કપ્તાન અજિંકયા રહાણે, સૂર્યકુમાર યાદવ, શિવમ દૂબે અને શાર્દુલ
ઠાકુર જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી પહેલેથી છે. હવે યશસ્વી જયસ્વાલ સામેલ થયો છે.
યશસ્વી
જયસ્વાલ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતની 1પ ખેલાડીની ટીમમાં સામેલ હતો. આ પછી 12 ફેબ્રુઆરીના
ફેરફારના અંતિમ દિવસે તેના સ્થાને વરૂણ ચ્રકવર્તીને તક મળી હતી. જયસ્વાલે નાગપુરમાં
જ વન ડે ડેબ્યૂ ગત સપ્તાહે કર્યું હતું ત્યારે કોહલીને ઇજા થઇ હતી. આથી જયસ્વાલ ઇંગ્લેન્ડ
સામે પ્રથમ વન ડેમાં રમ્યો હતો અને 22 દડામાં 1પ રન કર્યાં હતા. યશસ્વી જયસ્વાલ રણજી
ટ્રોફીની વર્તમાન સીઝનમાં મુંબઇ તરફથી એક મેચ જમ્મૂ-કાશ્મીર વિરુદ્ધ રમ્યો હતો. જેમાં
તેની સાથે રોહિત શર્મા પણ હતો. બન્ને નિષ્ફળ રહ્યા હતા અને મુંબઇની પણ હાર થઇ હતી.