સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ : પ્રિન્સિપાલે આક્ષેપને ફગાવી દીધા
પોરબંદર, તા.22 : પોરબંદરના મહિયારી
ગામની હાઈસ્કૂલના પ્રિન્સિપાલને ચાલુ ટ્રેનમાં યુવતી સહિત કેટલાક લોકો દ્વારા માર મારવામાં
આવતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો અને તેમાં તેણે કોઈ યુવતીની છેડતી કરતા હોવાનો
આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે આ બનાવમાં પ્રિન્સિપાલે આક્ષેપને ફગાવી દીધા હતા. અને
છેડતી કરી ન હોવાનું જણાવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ પોરબંદર
નજીક આવેલા મહિયારી ગામની હાઇસ્કૂલના પ્રિન્સિપાલ નરેન્દ્રાસિંહ રાયજાદા જૂનાગઢથી કેશોદ
તરફ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન ટ્રેનના ડબ્બામાં એક યુવતી અને તેની સાથેના
અન્ય કેટલાક લોકો સાથે તેમની બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને યુવતી
સહિતના લોકોએ પ્રિન્સિપાલ પર છેડતીનો આક્ષેપ લગાવી તેમની ધોલાઈ શરૂ કરી દીધી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા
વીડિયોમાં એક યુવતી અને કેટલાક યુવકો પ્રિન્સિપાલને ઘેરી વળ્યા છે અને તેમને લાફા મારી
રહ્યા છે.વીડિયો ઉતારનાર વ્યક્તિ પ્રિન્સિપાલ પાસે બળજબરીથી કબૂલાત કરાવી રહ્યો છે
કે તેણે યુવતી સામે જોઈને અશોભનીય ઈશારા કર્યા હતા અને છેડતી કરી હતી શરૂઆતના તબક્કે
પ્રિન્સિપાલ આ વાતનો ઇનકાર કરતા દેખાય છે પરંતુ માર પડતા તેઓ ‘ભૂલ થઈ ગઈ, સોરી’ એમ
કહેતા અને છેડતી કર્યાની કબૂલાત કરતા જોવા મળે છે.
આ ઘટના બાદ જ્યારે પ્રિન્સિપાલ
નરેન્દ્રાસિંહ રાયજાદાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે વીડિયોમાં દેખાતી હકીકત
કરતા અલગ જ પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ જ્યારે ટ્રેનમાં ચડવા જઈ
રહ્યા હતા ત્યારે ભીડને કારણે અકસ્માતે તેમનો પગ કોઈને અડી ગયો હતો. આ સામાન્ય બાબતે
બોલાચાલી શરૂ થઈ હતી અને સામે પક્ષે ઉશ્કેરાઈને તેમને માર માર્યો હતો. છેડતીનો કોઈ
જ બનાવ બન્યો નથી. માત્ર તેમને સામાજિક રીતે બદનામ કરવા માટે આ પ્રકારના ખોટા આક્ષેપો
કરી વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.